તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકામાં રૂ. ૫ કરોડથી વધુના ખર્ચે રોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે જસદણ તાલુકામાં રૂ. ૫ કરોડથી વધુના ખર્ચે રોડ રીસર્ફેસિંગ, સી.સી. રોડ અને સુવિધા પથના વિવિધ વિકાસ કામનું ખાતમુહૂર્ત થયા હતા.
મંત્રીશ્રીએ જસદણ - માધવીપુર- ઘેલા સોમનાથ રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, જસદણ-વિંછીયા તાલુકાને જોડતા રોડના નવીનીકરણથી પરિવહન સુવિધામાં વધારો થશે. આ પંથકમાં મોટા પાયે ચાલતા વેપાર ઉદ્યોગ, કૃષિ તેમજ પ્રવાસન ક્ષેત્ર ગતિમાન બનતાં આર્થિક વિકાસને વેગ મળશે.
વધુમાં મંત્રીશ્રીએ યુવાઓમાં રોજગારી વધે તે માટે શ્રમ અને કૌશલ્ય વિભાગ હસ્તકના આઈ.ટી.આઈ. માં ડ્રોન ટેક્નોલોજી, એ.આઈ. આધારિત સ્કિલ બેઝ કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈના હસ્તે માધવીપુર ખાતે રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે મુખ્ય રોડનું રિસર્ફેસીંગ કામગીરીનું ખાતમૂહુર્ત કર્યું હતું. જયારે કોઠી ગામ ખાતે રૂ. ૧૬.૯૯ લાખના ખર્ચે સી.સી. રોડ બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. બંને કામો સ્ટેટ આર.એન્ડ. બી. હસ્તક તૈયાર કરવામાં આવશે. જયારે ગઢડીયા (જામ) ખાતે પંચાયત વિભાગ દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે સી.સી. રોડ કામગીરીનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીએ કરી ગ્રામજનોને સુવિધા પથની ભેટ આપી છે.
આ તકે પૂર્વ સાંસદ શ્રી શંકરભાઇ વેગડે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર માની રાત દિવસ તેમના દ્વારા કરવામાં આવતા વિકાસકામોની સરાહના કરી હતી. મંત્રીશ્રીએ તમામ જગ્યાએ શાસ્ત્રોકત વિધિથી ભૂમિપૂજન કરી લોકકલ્યાણની અભ્યર્થના વ્યકત કરી હતી. ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીને ઢોલના નગારે આવકારી કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આ તકે વિવિધ ગામના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
