<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કાલે ર૭મીએ વિશ્વ રંગભૂમિ દિવસ

સોમનાથ તીર્થ રંગભૂમિનો જવલંત ભૂતકાળ, વર્તમાન હતાશ અને ભાવિ ઉપર તો બિલકુલ નથી જ આશ : દોઢ સદીની ગુજરાતી રંગભૂમિ તે હિ નો દિવસોઃ ગતા

(ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૬ :.. યુનેસ્‍કોએ ૧૯૪૮માં ઇન્‍ટરનેશનલ થીએટર ઇન્‍સ્‍ટીટયુટની સ્‍થાપના કરી અને તેના નવમા પ્રમુખ આર્વી કિવીમાએ ર૭ માર્ચ સમગ્ર વિશ્વ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે એમ નક્કી કરાયું. સને ૧૯૬ર થી આ દિવસ ઉજવાતો થયો. સોમનાથ મહાદેવની પાવનકારી ભૂમિ પ્રભાસ-પાટણમાં રંગભૂમિનો એક યુગમાં જોરદાર દબદબો હતો. વેરાવળ વિદ્યુતનગરમાં રહેતા દિનેશ વૈદ્ય કહે છે, ‘પ્રભાસ-પાટણમાં', ‘શંકર વિજય સંગીત સમાજ' નામની નાટય સંસ્‍થા હતી જેના પ્રણેતા લાભશંકરભાઇ મહેતા હતાં.

જેના સંચાલનથી ભજવાયેલ નાટકોમાં ‘બસુરી વીણા', ‘સંસાર ચિત્ર', ‘વિનાશના વહેણ' મુખ્‍ય હતાં. આ નાટકોમાં મારા પિતાશ્રી ભગુભાઇ વૈદ્યે પણ ભાગ લીધેલ જેમાં ‘સંસાર ચિત્ર' નાટકમાં કથા મુજબ તેનો એકનો એક દિકરો મૃત્‍યુ પામે છે ત્‍યારે તેના શબને હાથમાં લઇ કરૂણભાવવાહી સ્‍વરે ગીત ગાય છે કે, ‘આ સંસાર છે, સ્‍વાર્થ ભરેલો દગાભરી દુનિયા' આ ગીતમાં તેનો કરૂણ અભિનય અને પ્રસંગ જોઇ નાટયગૃહમાં ઉપસ્‍થિત દર્શકો દડ્‍...દડ્‍્‌... આંસુ રડી ઉઠયા હતાં. પ્રભાસમાં તે સમયના નાટકોમાં સ્‍ટેજ ઉપર ત્રણ થી ચાર પડદાઓ રહેતા જે કાપડના પડદાઓ ઉપર શહેરની બિલ્‍ડીંગો, જંગલ-બગીચા, મંદિર, તળાવ, આશ્રમના દોરાયેલા ચિત્રો રહેતા હતાં. આ પડદાને લાકડાના બંબુઓમાં વીટાળી તેને વીંગ પાસેની દોરીથી ખેંચતા કે પાડતા હતાં. સ્‍ટેજની બન્ને બાજુ વીંગ પણ આર્કષક ચિત્રોથી ગોઠવાયેલી રહેતી. એ વીંગ પાસે પ્રોમ્‍પટર નાટકની સ્‍ક્રીપ્‍ટ લઇને બેસતો અને કોઇ કલાકાર તેનો સંવાદ ભૂલી જાય તો ધીમા અવાજે તેને યાદ આપતો. નાટકના પ્રેક્ષક સાઇડની પ્રથમ હરોળમાં હારમોનીયમ, તબલાં અને સીતાર જેવા વાદ્યો સાથે સંગીત વાદકો બેસતા. લાભશંકરભાઇ મહેતા પગેથી ધમી શકાય તેવું હારમોનીયમ વગાડતાં. નાટકનો પ્રારંભ શંકર અને સરસ્‍વતી સ્‍તુતીથી થતો. નાટકના પ્રારંભ પહેલાં લોખંડની અડીમાં પોટાસ ભરી તેનો ધડાકો કરાતો અને થોડી-થોડી વારે ઘંટડી વગાડાતી અને ત્રીજી ઘંટડીએ નાટક ચાલુ થતું. નાટકના ગીતો અર્થસભર - સંદેશો આપતા અને હાસ્‍ય ઉપજાવતા બનતાં.  જેમ કે, ‘જીંદગી છે માડી, હાય...! મળી ન નારી પામ્‍યો વાંઢાનો અવતાર...' ‘જૂવે છે, વાટ ઘેર કાકા ભણેલી કામી એને નવ મારશો'. ‘ઝટ જાવો ચંદન હાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે'  ‘પ્રણયના શુધ્‍ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે.' તે સમયમાં નાટકમાંસ્ત્રીના પાત્રો પુરૂષો જ ભજવતા અને આવા એક નાટકમાં એક પુરૂષેસ્ત્રીનું પાત્ર લીધેલ અને તે દિવસે તે નાટકમાં તેના પત્‍ની સહિત પરિવાર પણ જોવા આવેલ. જેવું એ ભાઇનુંસ્ત્રી પાત્ર તરીકે સ્‍ટેજ ઉપર આગમન થયું કે દર્શકો સાથે બેસેલી તેની પત્‍ની ત્રાડ પાડી ઊઠી કે, ‘ફટ્‍ છે મુવા, પુરૂષ થઇનેસ્ત્રી બન્‍યો, જરાયે શરમ પણ ન આવી'. -તે સમયમાં લાઉડ સ્‍પીકરો ન હતા જેથી નાટકના તમામ પાત્રોએ બુલંદ - પડછંડ અવાજથી સંવાદો બોલવા પડતા. નાટકના આગળ બેસવાના કલાસની ઊંચી ટિકીટ રહેતી જયારે સામાન્‍ય પ્રજા ટિકીટ ઓછી રકમની રહેતી પણ એ કલાસ છેલ્લે રહેતો. પ્રભાસમાં નાટક કંપનીઓ પણ આવતી અને તેના કલાકારો સવારે બજારમાં શાક લેવા કે વાળ-દાઢી કરાવવા નીકળે ત્‍યારે દૂરથી આંગળી દર્શાવીને કે તેની આસપાસ કુંડાળુ થઇ નિરખી ધન્‍ય બનતાં આજે જેમ અમિતાભ બચ્‍ચન કે રૂતીક રોશનની જેમ.

(11:29 AM IST)