News of Thursday, 26th March 2026
હળવદના કોયબા-ઢવાણા વચ્ચે બાઇક સ્લીપ થતાં નવીનભાઇ નાયકનું મોતઃ નરેશને ઇજા
એક વાડીએથી બીજી વાડીએ સામાન લઇને જતી વખતે બનાવ : બંને કુટુંબી ભાઇઓ મુળ છોટાઉદેપુરના વતનીઃ આધેડે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ કુટુંબી ભાઇ નરેશ રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૬: હળવદ નજીક કોયબા અને ઢવાણા ગામ વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં બાઇકચાલક મુળ છોટાઉદેપુરના આધેડ અને પાછળ બેઠેલા તેના કુટુંબી ભાઇને ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ બાઇકચાલક આધેડનું મોત થયું હતું. બંને ભાઇઓ એક વાડીએ કામ પુરૂ થયું હોઇ સામાન લઇ બાઇક પર નજીકની બીજી વાડીએ જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ હળવદના વેગડ ગામે મોહનભાઇ સુંઢાની વાડીએ રહી ખેત મજૂરી કરતાં નવીનભાઇ ચંદુભાઇ નાયક (ઉ.વ.૪૫) ગઇકાલે બાઇક હંકારી વેગડ ગામની વાડીએથી નજીકના વીરપર ચોકડીની વાડીએ જતાં હતાં. બાઇકમાં પાછળ તેનો કુટુંબી ભાઇ નરેશ જગદીશભાઇ નાયક (ઉ.વ.૩૫) પણ ઘરવખરીનો સામાન લઇને બેઠો હતો.
બંને ભાઇ કોયબા-ઢવાણા વચ્ચેના રોડ પર પહોંચ્યા ત્યારે કોઇપણ કારણોસર નવીનભાઇએ બાઇક પરનો કાબુ ગુમાવતાં સ્લીપ થઇ જતાં બંનેને ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. અહિ મધરાતે નવીનભાઇનું મૃત્યુ થતાં મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નવીનભાઇ મુળ છોટાઉદેપુર કવાંટના વતની હતાં. તે બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. આ ત્રણેયએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી. બચી ગયેલો નરેશ ઇજા સાથે રાજકોટ સારવાર હેઠળ છે
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
