<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

૩૦ વર્ષમાં ભાજપે શુ આપ્‍યુ? ભ્રષ્‍ટાચાર, તૂટતા પુલ, મોંઘવારીઃ અરવિંદ કેજરીવાલ

ભાજપ-કોંગ્રેસે જનતાને લુંટી, હવે પરિવર્તન જરૂરીઃ ભગવંત માન : આગામી ચૂંટણી અસ્‍તિત્‍વની લડાઇઃ ઇસુદાન ગઢવીઃ અમરેલીમાં ‘આપ'નું શકિતપ્રદર્શન

રાજકોટ તા.૨૬: આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્‍ય 'વિજય વિશ્વાસ સભા' નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્‍ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્‍ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્‍ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમરેલીના સ્‍થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્‍યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્‍વયંભૂ ઉપસ્‍થિત રહ્યા હતા.

અમરેલીમાં યોજાયેલી સભામાં આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્‍યું કે, સૌરાષ્‍ટ્રમાં સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનું મંદિર છે, તેથી આજે હું સૌરાષ્‍ટ્રની ધરતી પર આશીર્વાદ લેવા આવ્‍યો છું. ભાજપના કુશાસન અને ભ્રષ્ટાચારથી લોકોને મુક્‍તિ મળે તેવા આશીર્વાદ માટે હું અહીં આવ્‍યો છું. સૌરાષ્‍ટ્રની ૪૮ સીટોમાંથી ૪૦ સીટ તમે ભાજપને આપી, પરંતુ બદલામાં તમને શું મળ્‍યું? ધક્કા મળ્‍યા, ગાળો મળી, અપમાન મળ્‍યું, ડંડા મળ્‍યા, જેલ મળી. છેલ્લા ૩૦ વર્ષમાં ભાજપે શું આપ્‍યું? રસ્‍તા બનાવે છે તો ૨ દિવસમાં તૂટી જાય છે, મોરબીનો પુલ તૂટી ગયો અને બીજા ઘણા પુલ તૂટી ગયા, તો આ બધાના પૈસા કયાં જાય છે? મને કેટલાક ખેડૂત મળ્‍યા જેમણે કહ્યું કે તેમની મગફળીનો પાક બરબાદ થઈ ગયો હતો અને ત્‍યારબાદ સરકારે ૧૦૦૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું, પરંતુ સાંભળવામાં આવ્‍યું કે ખેડૂતોને પૈસા મળ્‍યા નથી. તો મારો સવાલ છે કે એ ૧૦૦૦૦ કરોડ કયાં ગયા? ખાઈ ગયા આ લોકો ૧૦૦૦૦ કરોડ? જાતિનું પ્રમાણપત્ર, જન્‍મનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ જેવી કોઈપણ વસ્‍તુ માટે પૈસા આપવા પડે છે. તમે લોકો ૩૦ વર્ષથી અલગ અલગ પાર્ટી અને નેતાઓને મત આપતા આવ્‍યા, પરંતુ તમને કંઈ મળ્‍યું નથી.

 અમરેલીમાં સભાને સંબોધિત કરતાં પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માને જણાવ્‍યું કે અરવિંદ કેજરીવાલજી, જેમણે સામાન્‍ય લોકો માટે આમ આદમી પાર્ટી બનાવી, સામાન્‍ય લોકોની ભલાઈ માટે આ પાર્ટી બનાવી હતી. અને આ પાર્ટી એટલી ઝડપથી દેશમાં ફેલાઈ કે આજે માત્ર દસ-બાર વર્ષમાં જ નેશનલ પાર્ટી બની ગઈ છે, કારણ કે તેમાં સામાન્‍ય લોકો આવે છે અને સામાન્‍ય લોકોની ભલાઈ માટે કાયદા બનાવવામાં આવે છે. જેમ કે મારા પહેલા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે જ્‍યારે દિલ્‍હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી, ત્‍યારે સરકારી શાળાઓ ખૂબ સારી બની ગઈ હતી, મોહલ્લા ક્‍લિનિકમાં મફત દવાઓ અને સારવાર મળતી હતી, ગરીબો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જીવનમાં સુધારો આવ્‍યો હતો અને લોકોને રોજગાર મળતો હતો. ત્‍યારબાદ જ્‍યારે ભાજપની સરકાર આવી ત્‍યારે બધું બંધ કરી દેવામાં આવ્‍યું અને મોટા ઉદ્યોગપતિઓને લાભ અપાયો. જે ખાનગી શાળાઓ અરવિંદ કેજરીવાલ મુખ્‍યમંત્રી હતા ત્‍યારે ફી વધારી શકતી નહોતી, આજે તે જ મનમાની કરી રહી છે. પંજાબમાં અમારી સરકાર ચાલી રહી છે. અહીં બેઠેલી માતાઓ અને બહેનો અમારા માટે ખૂબ મહત્‍વપૂર્ણ છે, કારણ કે તેમના વિના ઘર નહીં ચાલે તો દેશ પણ નહીં ચાલે. જો માતા અને બહેનોનો આશીર્વાદ મળી જાય તો માણસ કોઈ પણ મંજિલ હાંસલ કરી શકે છે.

 આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં ઉપસ્‍થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, આવનારી ચુંટણીઓ ફક્‍ત ચૂંટણીઓ નથી પરંતુ આપણા તમામ લોકોની અસ્‍તિત્‍વની લડાઈ છે, માટે તમામ જાતિ ધર્મના વાડા ભૂલીને એક થવું પડશે. અમરેલીમાં ઘણા ખેડૂતો મને મળવા આવ્‍યા અને તેઓએ મને કહ્યું કે તે લોકો પાસેથી જે ટેકાના ભાવે પાક ખરીદવામાં આવ્‍યો હતો તેના રૂપિયા હજુ સુધી મળ્‍યા નથી. અમારી સરકારમાં તો નિયમ લાવીશું કે ખેડૂત ૩૦૦ મણ મગફળી પકવશે તો સરકાર ૩૦૦ મણ મગફળી ખરીદશે. ખેડૂતોએ જણાવ્‍યું કે ગત વખત ખેડૂતો પાસેથી ૨૦૦ મણ મગફળી ખરીદવામાં આવી હતી તેના કારણે ખેડૂતોએ ૨૦૨૪માં ભરી ભરીને ભાજપને મત આપ્‍યા પરંતુ ત્‍યારબાદ સરકારે ફક્‍ત ૧૨૫ મણ મગફળી ખરીદી. હવે જો આગામી જે તાલુકા પંચાયત - જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે તેમાં જો ખેડૂત ભાજપનું બટન દબાવશે તો આ લોકો આગામી ચોમાસામાં જે મગફળી વાવશે તે ફક્‍ત ૪૦ મણ જ ખરીદાશે. હવે ખેડૂતોની અને અમારે, એમ આપણા તમામ લોકોની જવાબદારીઓ વધી ગઈ છે. મુખ્‍યમંત્રી પોતાના દીકરાને મુખ્‍યમંત્રી બનાવવા માંગે છે, કલેક્‍ટર પોતાના દીકરાને કલેકટર બનાવવા માંગે છે, ડોક્‍ટર એના દીકરાને ડોક્‍ટર બનાવવા માંગે છે, પરંતુ આજે ખેડૂત પોતાના દીકરાને ખેડૂત નથી બનાવવા માંગતો. ખેડૂત મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કરે અને જો સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દે અને તેમ છતાં પણ જો ખેડૂતો અને તેમના પરિવારો ભાજપને મત આપે તો એમાં વાંક કોનો? વાંક આપણો કહેવાશે અને એટલા માટે જ અમે ખેડૂતોને જગાડવા માટે આવ્‍યા છીએ.

 આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને હવે જનતાએ વિચારવાનો સમય આવી ગયો છે કે વર્ષોથી એક જ પાર્ટીને મત આપ્‍યા છતાં સામાન્‍ય લોકોને આજે પણ નાનામાં નાની બાબતો માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે, હાથ જોડવા પડે છે, પૈસા આપવા પડે છે અને ધમકીઓ સહન કરવી પડે છે.

 

(12:05 PM IST)