<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

કચ્‍છના ભચાઉમાં સમાજના પ્રમુખ પદ માટે ઘર્ષણઃ ટોળાનો હુમલો, ૪ રાઉન્‍ડ ફાયરિંગઃ ધારિયા, ધોકા ઊલળ્‍યા

હથિયારો જપ્ત કરવા અંગેની પોલીસ કાર્યવાહી સામે સવાલ? એક બાજુ હથિયારો જપ્ત કરવાની કડક ડ્રાઇવ બીજી બાજુ ખુલ્‍લેઆમ પિસ્‍તોલ, બંદૂક, ઘાતક હથિયારો સાથે જાહેરમાં હુમલો, એક બંદૂક સાથે ૨૧ જણા ઝડપાયા

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮: રાજ્‍ય સરકાર દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થા અંગે કડક કાર્યવાહી કરાઈ રહી હોવાની નાયબ મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત વચ્‍ચે પૂર્વ કચ્‍છના ભચાઉના રાપર ગામે ઘાતક હથિયારો સાથે હુમલાના બનાવે ચકચાર સર્જી છે. દરમ્‍યાન આ ઘટના ત્‍યારે બની છે જ્‍યારે પૂર્વ કચ્‍છ પોલીસ દ્વારા હથિયારો જપ્ત કરવાની કડક ડ્રાઇવની કામગીરી કરાઈ રહી છે. પૂર્વ કચ્‍છના ભચાઉ તા.ના રામપર ગામે સમાજના પ્રમુખ પદ્દ માટેના ઘર્ષણમાં ૩૨ જણના ટોળા દ્વારા પ્રતિસ્‍પર્ધીના ઘર ઉપર ઘાતક હથિયારો સાથે હુમલો કરાયો હતો. આ બાબતે ફરિયાદી રામજી મણકા એ નારાણ રવા સંઘાર સહિત ૩૨ શખ્‍સો સામે ધારિયા, ધોકા, પિસ્‍તોલ, બંદૂક વડે પોતાના ઘર ઉપર હુમલો કરી વાહનોમાં તોડફોડ અંગે ફરિયાદ કરી છે. શિકરા ગામથી આવેલા ટોળાએ ફરિયાદીની માતાને મૂઢ માર માર્યો હતો જ્‍યારે ફરિયાદીને માથામાં ધારિયું મારી લોહીલુહાણ કરી ભૂંડી ગાળો આપી હતી. જીવ બચાવવા ફરિયાદી પરિવાર ઘરમાં પુરાઈ ગયો ત્‍યારે બહાર ૪ રાઉન્‍ડ ફાયર સાથે પથ્‍થરમારો કર્યો હતો. પાંચ કારોમાં તોડફોડ કરી હતી. ટોળાએ કરેલ ઘાતક હુમલાના દ્રશ્‍યો સીસી ટીવીમાં કેદ થયા હતા. દરમ્‍યાન ૩૨ જણાના ટોળા સામે પોલીસ ફરિયાદ કરાયા બાદ પોલીસે ૨૧ આરોપીઓની ધરપકડ કરી ફાયરીંગ કરાયેલ બંદૂક કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(૩૮.૨૯)

(11:02 AM IST)