News of Saturday, 28th March 2026
ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે યુવાનનું કરુણ મૃત્યુઃ પુત્રીને ઈજા
નંબર પ્લેટ વગરની કારના ચાલક નિલેશ હરદાસ ગોરીયા સામે ગુન્હો

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળીયા તા.૨૮ઃ ખંભાળિયામાં રામનગર વાડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડા નામના સતવારા યુવાન તેમની પુત્રી પાયલબેનને સાથે લઈને તેમના જી.જે. ૩૭ એચ. ૪૪૯૦ નંબરના મોટરસાયકલ પર બેસીને ગુરુવારે રાત્રિના આશરે ૧૨ વાગ્યાના સમયે તેમના સસરાના ઘરેથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ખંભાળિયામાં ભાણવડ માર્ગ તરફ જતા ગરેડામાં નવચેતન સ્કૂલ તરફ જતા માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી નંબર પ્લેટ વગરની એક મારુતિ કારના ચાલકે અશ્વિનભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં અશ્વિનભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઉપરાંત તેમની સાથે જઈ રહેલી તેમની પુત્રી પાયલને પણ ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ ચોપડાના મૃતદેહનું અહીંની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતક અશ્વિનભાઈના ભાઈ કિરીટભાઈ સવજીભાઈ ચોપડા (ઉ.વ. ૪૧, રહે. ગુંદમોરા સીમ, રામનગર) ની ફરિયાદ પરથી નંબર પ્લેટ વગરની કારના ચાલક નિલેશ હરદાસ ગોરીયા (રહે. રામનાથ સોસાયટી, ખંભાળિયા) સામે બીએનએસ તેમજ એમ.વી. એકટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયાના મહાદેવીયા ગામે વીજશોક લાગતા યુવાનનું અપમૃત્યુ
મહાદેવીયા ગામે રહેતા રાજશીભાઈ નગાભાઈ કોટા નામના ૪૮ વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે તેમની વાડીએ જોરદાર ઇલેકટ્રીક કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના નાનાભાઈ ગોવાભાઈ કોટાએ અહીંની પોલીસને કરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
