<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

પોરબંદર સાંદીપનિ શ્રી હરિમંદિરમાં પૂ. ભાઈશ્રીની પ્રેરણાથી શ્રી રામનવમી ઉત્સવ આસ્થા-ઉત્સાહ સાથે ઉજવાયો

શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગારઃ મધ્યાહન સમયે અને સાંજે શ્રીજાનકીવલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધોઃ પ્રસાદ વિતરણ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮ઃ પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રીરામનવમીના ઉત્સવની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે  ઉજવણી કરવામાં આવી હતી.

શ્રીરામનવમીના પરમ પાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રીહરિ મંદિરના સવારે સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મધ્યાહ્નમાં તુલસીદાસજીની શ્રીરામચરિત માનસના બાલકાંડમાં વર્ણિત શ્રીરામ જન્મોત્સવની મંગલમયી ચોપાઈઓ તથા સંકીર્તનનું સાંદીપનિના  સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સુમધુર વિવિધ રાગોમાં સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવ્યુ .

ત્યારબાદ મધ્યાહન સમયે બરાબર બપોરે ૧૨ વાગ્યે શ્રીહરિમંદિરના મુખ્યાજી  દ્વારા શ્રીરામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખુલતાની સાથે જ ઉપસ્થિત સૌ ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જયઘોષ કરીને શ્રી રામજન્મોત્સવના વધામણાં અને દર્શન કર્યા હતા. શ્રીહરિમંદિરના મુખ્યાજી દ્વારા બાલસ્વરૃપ શ્રી રામજીને પંચામૃતથી સ્નાન કરાવીને વિવિધ દ્રવ્યોના જળ વડે અભિષેક કરવામાં આવ્યો અને એ સાથે વિધિવત મંત્રોચ્ચાર સાથે બાળ સ્વરૃપ શ્રીરામજીની પૂજા કરવામાં આવી અને આરતી ઉતારવામાં આવી. ત્યારપછી શ્રીરામજન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રીસીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધરાવવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા. શ્રી હરિમંદિરના મુખ્યાજી દ્વારા શ્રીહરિ મંદિરમાં જન્મોત્સવના દર્શનમાં પધારેલા સર્વે ભાવિકોને રમકડા અને ચોકલેટ આપીને શ્રીરામજન્મની બધાઈ આપી હતી. ઉત્સવની પૂર્ણાહુતિ સમયે પારણામાં પધરાવેલા બાળસ્વરૃપ શ્રીરામચંદ્રજીની મંગલ ઉત્સવ આરતી ઉતારવામાં આવી અને સૌ દર્શનાર્થીઓએ આરતીના દર્શનનો લાભ લીધો હતો.   આ મંગલમય અવસરે શ્રીહરિ મંદિરમાં શ્રીરામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.

મધ્યાહન  સમયે અને સાંજે શ્રીજાનકીવલ્લભ ભગવાનના અલૌકિક શૃંગાર દર્શનનો અનેક ભાવિકોએ  લાભ લીધો હતો તેમજ સૌને પ્રસાદ આપવામાં આવ્યો હતો.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:57 AM IST)