તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૪ શુક્રવાર
News of Saturday, 28th March 2026
કાલે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુના હસ્તે ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાશે

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :આવતીકાલ રવિવાર તા.૨૯ માર્ચ ૨૦૨૬થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક ઉડાનને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. મંત્રી ના હસ્તે થનારા આ ઉદ્ઘાટન સાથે જ ભાવનગર ફરી એકવાર દેશના મુખ્ય હવાઈ નકશા પર મજબૂતીથી અંકિત થશે.
આ સેવાના પ્રારંભ પૂર્વે ભાવનગર એરપોર્ટ ખાતે એરપોર્ટ ડાયરેક્ટર નયનકુમાર નાયકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હવાઇ સેવાની ટેકનિકલ વિગતો આપતા ડિરેક્ટર એ જણાવ્યું હતું કે, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે. રવિવારે સવારે ૮:૩૦ કલાકે પ્રથમ ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. આ નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે તેમજ નવી મુંબઈ મારફતે અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે.
આ ક્ષણે તેમની સાથે કેન્દ્રીય રાજ્ય અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાનાં ચેરમેન વિપીનકુમાર (I.A.S.), સેક્રેટરી સિવીલ એવીએશન તથા એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર્સ સહિતના પદાધિકારી - અધિકારી ફ્લેગ ઓફ કરવા સહભાગી થશે.
આ પ્રેસ કોન્ફરન્સમા એરપોર્ટ ઓથોરીટીના વરિષ્ઠ અધિકારીઓ મનિષકુમાર અગ્રવાલ અને પ્રશાંત નિખાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
