<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કોડીનાર પોલીસે રૂ. ૨૧ હજારનું ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડ્યું: ઉનાના વેપારી સહિત બે સામે તપાસનો ધમધમોટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘીનો જથ્થો ઉનાના "શ્રીજી કિરાણા સ્ટોર" ના માલિક મહેશભાઈ મનસુખભાઈ ગોરખીયા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને આ ડબ્બા ભરી આપનાર સમીરભાઈ સતારભાઈ સુમરા (રહે. ઉના) હોવાનું ખુલ્યું છે

કોડીનાર : ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો વિરુદ્ધ પોલીસ અધિક્ષકની સૂચનાથી ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે બાતમીના આધારે ૨૧,૦૦૦ની કિંમતનું ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજા દ્વારા નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા અપાયેલી સૂચનાના પગલે, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકાની ટીમ કાર્યરત હતી. દરમિયાન, પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે એ.એસ.આઈ. પી.જે. વાઢેર અને પી.એચ. રાયજાદા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ઉનાથી કોડીનાર તરફ આવતી એક બોલેરો પીકઅપમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં શંકાસ્પદ ઘીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

પોલીસે GJ-11-Z-3050 નંબરની બોલેરો ગાડી અટકાવી તપાસ કરતા તેમાંથી ૧૫ કિલોના ૦૭ નંગ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. આ જથ્થો શંકાસ્પદ જણાતા તુરંત ફુડ સેફ્ટી ઓફિસર (FSO) ગીર સોમનાથને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ ઓફિસર દ્વારા તપાસ બાદ અંદાજે ૧૦૫ કિલોગ્રામ (કિંમત રૂ. ૨૧,૦૦૦/-) બિનઆરોગ્યપ્રદ ઘીના નમૂના લઈ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘીનો જથ્થો ઉનાના "શ્રીજી કિરાણા સ્ટોર" ના માલિક મહેશભાઈ મનસુખભાઈ ગોરખીયા દ્વારા મોકલવામાં આવ્યો હતો અને આ ડબ્બા ભરી આપનાર સમીરભાઈ સતારભાઈ સુમરા (રહે. ઉના) હોવાનું ખુલ્યું છે. પોલીસે આ બંને ઈસમો વિરુદ્ધ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 AM IST)