<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઉનાઃ જમીન પ્રશ્‍ને માથાકુટમાં યુવતીની હત્‍યા સંબંધે ર પીતરાઇ ભાઇઓની ધરપકડ

 

(નવીન જોષી દ્વારા) ઉના તા.૩૦: અહીંથી ૧૦ કિ.મી. દુર નેસડા ગામમાં જમીન પ્રશ્‍ને માથાકુટમાં યુવતીની હત્‍યા સંબંધ. પોલીસે મરનાર યુવતીના ર પીતરાઇ ભાઇઓ મનુ ગોહિલ અને વિક્રમ ગોહિલ બન્નેની ધરપકડ કરીને આ હત્‍યામાં અન્‍ય કોની સંડોવણી તે અંગે તપાસ શરૂ કરી છે.

નેસડા ગામ ના રહેવાસી અને હાલ કાપોદ્રા રહી હીરા ઘસવાનું કામ કરતા સતુભાઇ આતુભાઇ ખસીયા ઉ. વ. ૩૦ એ ઊના પોલીસ સ્‍ટેશન મા નેસડા ગામ માં રહેતા વિક્રમ વીરાભાઇ ગોહિલ અને મનુભાઈ કનુભાઈ ગોહિલ સામે એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે. કે નેસડા ગામે રહેતી મંસુબેન હામાભાઇ ગોહિલ નું ગત તા. ૨૦/૩/૨૬ ના રાત્રી ના મળત્‍યુ થયું હતું. આ મળત્‍યુ શંકાસ્‍પદ હોય. પોલીસે ને ફરિયાદ મા જણાવેલ કે પોતે સતુભાઇ અને મરણ જનાર મંસુબેન સાથે સાત વરસ પહેલાં ઓળખાણ થઈ હતી ત્‍યાર પછી ઓળખાણ પ્રેમ સબંધ માં ફેરવાઈ હતી. મંસુબેનના પિતા હામાભાઇ અરજણભાઈ ગોહિલનું પંદર વર્ષ પહેલાં અવસાન થયું હતું. અને અંદાજિત એક વરસ પહેલાં માતા પુનિબેનનું અવસાન થયું હતું. પરિવારમાં પોતે એકલી હતી. ત્‍યાર બાદ મોટા બાપાનો દીકરો વિક્રમ વીરાભાઈ ગોહિલ મસુના ઘરે રહેતો હતો. મંસુબેનના ભાગે આવેલ ખેતીની જમીન ૧૨ વિઘા આવી હતી.

આ જમીન આશરે પાંચ મહિના પહેલા ૫૦ ટકા જમીન મંસુબેનએ વિક્રમ સાથે ભાગીદારી દસ્‍તાવેજ કરાવેલ હતો. પરંતુ વિક્રમને  પૂરેપૂરી જમીન જોઈતી હોય. ધમકાવતો હતો.એ વાત મંસુબેન ઘણી વખત પ્રેમી સતુને ફોનમાં વાત કરતી કે બે પિતરાઈ ભાઈઓ ઠપકો આપતા અને તું તારી બધી જમીન માર નામે કરી દે તો તારા લગ્ન કરાવી દેશું જમીન અમારા નામે નહીં કર અને સતુ સાથે સબંધ રાખીશ તો મારી નાખશું .

રાત્રીના સતુએ મંસુને ફોન કરેલ ૩૨ મિનિટ વાત કરી હતી. ત્‍યારે મંસુએ ફોનમાં કહેલ કે આપણા બે ની સગાઈ બાબતે વિક્રમ તથા અમારા ઘર ના સભ્‍યો એ મનુભાઈ ના ઘરે મિટિંગ રાખેલ છે. વિક્રમ મને તેડવા આવશે હું જઈશ ત્‍યારે ચાલુ ફોન કહેલ કે વિક્રમ તેડવા આવતા ફોન કાપી નાખેલ હતો.

સવારે અમારા ગામના આતુભાઇ દોહા ભાઈ ગોહિલ નો ફોન આવેલ કે મંસુ મરી ગઈ છે. તેમને રાત્રે તબિયત બગડેલ હતી એટેક આવેલ હતો. ઘર ના સભ્‍યો એ ગામ માં કોઈ ને જાણ કર્યા વગર અંતિમ સંસ્‍કાર કરી નાખેલ છે. સમાજ રાત્રિના કોઈ અંતિમ સંસ્‍કાર કરતા નથી. તેથી મંસુ આગલી રાત સુધી સ્‍વસ્‍થ હતી કોઈ બીમારી ન હતી.મોત શંકાસ્‍પદ હોય તેમને હાર્ટ એટેક નહીં પરંતુ પિતરાઈ બે ભાઈઓ એ પૂરે પૂરી જમીન પચાવી પાડવા પિતરાઈ બહેન નું કોઈ પણ રીતે મોત નિપજાવ્‍યા નું લાગતું હોય તટસ્‍થ તપાસ કરવા ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બન્ને પિતરાઈ ભાઈ વિક્રમ વીરાભાઈ ગોહિલ અને મનુભાઈ કનુભાઈ ગોહિલ રે. નેસડા તા. ઊના સામે બીએનએસ કલમ ૧૦૩ (૧), ૫૪ મુજબ ગુનો નોંધી તપાસ અધિકારી પોલીસ ઇન્‍સ્‍પેકટર નિલેશ ભાઈ બી ચૌહાણ એ બન્ને આરોપીઓ ની અટક કરી તપાસ શરૂ કરી છે. નાના એવા ગામમાં જમીન બાબતે પિતરાઈ બહેનનું મોત થતા ચકચાર મચી ગઈ છે.

આ અંગે તપાસનિશ અધિકારી એન.બી.ચૌહાણએ જણાવેલ કે આરોપીઓની સાત દિવસ સઘન પૂછપરછ અને અન્‍ય ના નિવેદન નોંધી જાણવા મળ્‍યું હતું  કે રાત્રિ ના વિક્રમ વીરા ભાઈ ગોહિલ બાઇક લઈને  ઘરે આવી બાઇક પાછળ બેસાડી મનુભાઈના ઘરે લઈ જઈ મનુ એ મનસુ ના હાથ પગ પકડી રાખેલ અને વિક્રમે ગળુ દબાવી મારી નાખી. અને કલાકો માં અમુક લોકો સાથે ઊના સ્‍મશાને લાવી અંતિમ સંસ્‍કાર કરી નાખેલ હતા. તેવુ તપાસમાં ખુલ્‍યુ છે. આ અંગે બીજા કોઈ પણ લોકો સંડોવાયેલ છે કે કેમ? તે તપાસ ચાલુ છે. જે નામ ખુલશે તેમને છોડવામાં આવશે નહીં

(11:57 AM IST)