<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

મોરબીમાં 25 લાખની ઉઘરાણી મામલે સિરામિક ઉદ્યોગપતિ પર જીવલેણ હુમલો : ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરિયાની ધરપકડ

સરદારબાગ પાસે પૈસા આપવાના બહાને બોલાવી મર્સિડીઝ કારમાં આવેલા શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો : ઉદ્યોગપતિના બંને હાથમાં ફ્રેક્ચર અને મિત્રને માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા : પોલીસે વૈભવી કાર અને હથિયાર કબજે કર્યા

મોરબી:મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાં ગત રાત્રે બનેલી એક હિંસક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. શહેરના એવન્યુ પાર્કમાં રહેતા અને જાણીતા મેટ્રો સિરામિક ગ્રુપ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ શેખર રતીલાલ આદ્રોજા પર રૂપિયા 25 લાખની લેણી રકમની ઉઘરાણી મામલે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાના આરોપમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી અજય મનસુખ ઉર્ફે પોપટ લોરિયાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પૈસા આપવાના બહાને બોલાવી આચર્યો હુમલો:
ઘટનાની વિગત મુજબ, શેખર આદ્રોજાએ અજય લોરિયા પાસેથી લાંબા સમયથી નીકળતા 25 લાખ રૂપિયા પરત માંગ્યા હતા, જે બાબતે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. ગત રાત્રે અજય લોરિયાએ આ નાણાં પરત આપવાના બહાને શેખરને સરદારબાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર બોલાવ્યા હતા. શેખર પોતાની ઇનોવા કારમાં મિત્ર જયેશ ઉર્ફે મુન્ના વનજી પાડલીયા સાથે ત્યાં પહોંચ્યા હતા. ગોડાઉન પર અગાઉથી જ અજય લોરિયા અને અન્ય એક અજાણ્યો શખ્સ મર્સિડીઝ કાર લઈને હાજર હતા.

લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો:
શેખર અને તેમના મિત્ર જેવા કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ આરોપી અજય લોરિયા અને તેના સાથીદારે મર્સિડીઝમાંથી લાકડાના ધોકા કાઢી બંને પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઉદ્યોગપતિ શેખરના બંને હાથમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા, જ્યારે તેમના મિત્ર જયેશને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે મર્સિડીઝ કાર અને ધોકા કબજે કર્યા:
આ બનાવની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. DySP જે.એમ. આલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી અજય લોરિયાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે હુમલામાં વપરાયેલી વૈભવી મર્સિડીઝ કાર અને લાકડાના ધોકા પણ કબજે કર્યા છે. રાજકીય વગ ધરાવતા પૂર્વ ચેરમેનની ધરપકડને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ હાલ આ મામલે અન્ય ફરાર શખ્સની શોધખોળ કરી રહી છે અને હુમલા પાછળના વધુ કારણો અંગે તપાસ ચલાવી રહી છે.

(8:19 PM IST)