News of Tuesday, 31st March 2026
ભગવાન મહાવીર જન્મ કલ્યાણક માત્ર એક જન્મોત્સવ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ,અહિંસા અને સદાચારના સંદેશો આપતો પવિત્ર તહેવાર છે: મુનિ નયશેખરજી મ.સા.
સત્ય,અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતોને અપનાવીને આત્માનું કલ્યાણ શક્ય છે.તેમના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે દરેક જીવમાં આત્મા સમાન છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : આજે સમગ્ર ભારતભરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થઈ રહી છે.આ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકના અવસરે પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ મહાવીર જન્મ કલ્યાણકનો મહિમા બતાવતા કહેલ કે જૈન ધર્મમાં તીર્થંકરોના જીવનના પાંચ મહત્ત્વપૂર્ણ પ્રસંગોને “પંચ કલ્યાણક” કહેવામાં આવે છે.તેમાં પ્રથમ અને અતિ પવિત્ર પ્રસંગ છે.મહાવીર જન્મકલ્યાણક. આ દિવસ ભગવાન મહાવીર ના જન્મની પવિત્ર યાદમાં ઉજવાય છે. આ કલ્યાણક માત્ર એક જન્મોત્સવ નથી,પરંતુ સમગ્ર માનવજાત માટે શાંતિ,અહિંસા અને સદાચારના સંદેશો આપતો પવિત્ર તહેવાર છે.જન્મનો દિવ્ય પ્રસંગ
ભગવાન મહાવીરનો જન્મ ઇ.સ.પૂર્વે 599માં કુંડલપુર ખાતે થયો હતો.તેમના પિતા રાજા સિદ્ધાર્થ રાજા અને માતા ત્રિશલા રાણી હતા.ભગવાન મહાવીરના જન્મ પહેલાં માતા ત્રિશલાએ 14 સ્વપ્નો જોયા હતા,જે દર્શાવતા હતા કે એક મહાન આત્મા જન્મ લેવા જઈ રહ્યો છે. આ સ્વપ્નોનો મહિમા જૈન શાસ્ત્રોમાં વિશેષ રીતે વર્ણવાયો છે.ભગવાન મહાવીરના જન્મ સમયે સમગ્ર જગતમાં આનંદની લહેર ફેલાઈ હતી.દેવતાઓએ પણ આ પ્રસંગે ઉત્સવ મનાવ્યો હતો અને ઇન્દ્રે ભગવાનનું અભિષેક કર્યું હતું. આથી આ પ્રસંગને “જન્મ કલ્યાણક” તરીકે વિશેષ મહિમા મળ્યો છે.મહાવીર જન્મ કલ્યાણક માત્ર ઐતિહાસિક ઘટના નથી,પરંતુ આધ્યાત્મિક જાગૃતિનો પ્રતિક છે. ભગવાન મહાવીરે સમગ્ર જગતને “અહિંસા પરમો ધર્મ:”નો ઉપદેશ આપ્યો. તેમણે બતાવ્યું કે સત્ય,અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતોને અપનાવીને આત્માનું કલ્યાણ શક્ય છે.તેમના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે દરેક જીવમાં આત્મા સમાન છે.કોઈપણ પ્રાણી પર હિંસા કરવી પાપ છે.ક્ષમા,દયા અને કરુણા જીવનના મૂળ આધાર છે.ઉજવણી અને પરંપરા મહાવીર જન્મ કલ્યાણકના દિવસે જૈન સમાજમાં ખૂબ ભક્તિ અને ઉત્સાહ જોવા મળે છે.દેરાસરોમાં વિશેષ પૂજા-પૂજન, અનુષ્ઠાન, અભિષેક, આંગી, મહાપૂજા અને આરતી કરવામાં આવે છે. ભગવાન મહાવીરની રથયાત્રા પણ આયોજન થશે.જેમાં ભક્તો ભજન- કીર્તન સાથે ભાગ લે છે.આજના દિવસે ભાવિકો ઉપવાસ,એકાસણ આદિ ની તપસ્યા કરશે સાથે સાથે જીવદયા, ગરીબોને ભોજન અને વસ્ત્રદાન કરશે. પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણી અને અન્નની વ્યવસ્થા કરાશે.આ બધા કાર્યો ભગવાન મહાવીરના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ છે.જે અંધકારમાં પ્રકાશ આપે છે.આજના દિવસે આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે “અમે અહિંસા, સત્ય અને દયાના માર્ગ પર ચાલીને આપણા જીવનને પવિત્ર બનાવીશું.”
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
