News of Tuesday, 31st March 2026
ધ્રોલના લતીપર ગામે વૃદ્ધ પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો
ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે માથામાં પાઇપ ઝીંકયા, વૃદ્ધને હેમરેજ અને ફ્રેક્ચર

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૩૧ :.. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં વહેલી સવારે લોહિયાળ હુમલાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી એક શખ્સે ૬૫ વર્ષીય વળદ્ધ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે. વળદ્ધને માથાના ભાગે માઇનોર હેમરેજ અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગતો મુજબ, લતીપર ગામમાં રહી ખેતી અને પાનનો ગલ્લો ચલાવતા લક્ષ્મણભાઇ ધરમશીભાઇ મેદપરા (ઉ.વ. ૬૫) ના પત્ની અને પરિવારજનો ગત સાંજે પોતાના ઘરની બહાર બેઠા હતા, ત્યારે આરોપી ચેતનભાઇ વસંતભાઇ ઘોરેચા ત્યાંથી ગાળો બોલતો નીકળ્યો હતો. ફરિયાદીના પત્નીએ તેને ટોકીને ઘર પાસેથી જતું રહેવા કહેતા આરોપીએ તે વાતનું વેર બાંધ્યું હતું. ત્યારબાદ આજે તા. ૩૦/૦૩/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૬-૩૦ વાગ્યે લક્ષ્મણભાઇ પોતાની ‘ભારત પાન' નામની દુકાને સફાઈ કરી રહ્યા હતા, ત્યારે આરોપી ચેતન ઘોરેચા લોખંડનો પાઇપ લઈને ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ પાઇપ વડે લક્ષ્મણભાઇના ડાબા હાથ પર બે ઘા અને માથામાં ત્રણ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે વળદ્ધને માથામાં હેમરેજ થયું છે અને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ અને તેમની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
