News of Wednesday, 1st April 2026
ભાવનગરના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરીના રજત જયંતી વર્ષની ભવ્ય પૂર્ણાહુતિ : ૨૫ વર્ષની સંઘર્ષપૂર્ણ મજલ અને અભૂતપૂર્વ સિદ્ધિઓની ઉજવણી
સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં લક્ષ્યાંકોની સફળતા જાહેર : પશુપાલકોને રેકોર્ડબ્રેક ૯૦૦ રૂપિયા ખરીદભાવ અને ૫૧ હજારથી વધુ સેક્સ સીમેન ડોઝના લક્ષ્યાંકો પૂર્ણ

ઈશ્વરિયા: ભાવનગર જિલ્લાના પશુપાલકો માટે આર્થિક ઉન્નતિનું પ્રતીક બનેલી સર્વોત્તમ ડેરી, સિહોર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના રજત જયંતી વર્ષની શાનદાર પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ગૌરવપૂર્ણ ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આખું વર્ષ વિવિધ કાર્યક્રમો અને લક્ષ્યાંકો સાથે ઉજવવામાં આવ્યું હતું, જેનો સમાપન સમારોહ સર્વોત્તમ ડેરીના પટાંગણમાં ધામધૂમથી યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપકો, નિયામક મંડળના સભ્યો અને કર્મચારી પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો.
સંઘર્ષથી સિદ્ધિ સુધીના ૨૫ વર્ષના લેખાજોખા:
સમારંભના અધ્યક્ષ અને સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે રજત જયંતીના તમામ લક્ષ્યાંકો પૂર્ણ થવા બદલ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સંઘના ઝડપી વિકાસ માટે મેનેજિંગ ડીરેક્ટર અને નિયામક મંડળની કામગીરીની પ્રશંસા કરી હતી. સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર.જોષીએ સંસ્થાના શરૂઆતના સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતા ૨૫ વર્ષની સિદ્ધિઓનું ભાથું રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાએ પશુપાલકોના હિતને સર્વોપરી રાખીને સતત પ્રગતિ કરી છે.
પશુપાલકોને મળ્યો રેકોર્ડબ્રેક ભાવ અને અન્ય સુવિધાઓ:
રજત જયંતી વર્ષ દરમિયાન પશુપાલકો પશુપાલન વ્યવસાય થકી વધુ સારી આવક મેળવે તે માટે સંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. દૂધ ઉત્પાદકોને પ્રતિકિલો ફેટના ૮૫૦ રૂપિયા ભાવ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેની સામે રેકોર્ડબ્રેક ૯૦૦ રૂપિયા ખરીદભાવ આખા વર્ષ દરમિયાન આપીને પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા છે. આ ઉપરાંત અન્ય મહત્વના લક્ષ્યાંકોની વિગતો પણ જાહેર કરવામાં આવી હતી:
* સર્વોત્તમ દાણ: ૫૦,૦૦૦ ટન દાણ વેચાણના લક્ષ્યાંક સામે ૫૦,૪૧૭ ટનનું વેચાણ કરી લક્ષ્યાંક વટાવ્યો છે.
* બીજદાન પ્રક્રિયા: જિલ્લામાં ૧૫,૦૦૦ સેક્સ સીમેન ડોઝથી બીજદાન કરાવવાના લક્ષ્યાંક સામે ૫૧,૫૫૧ સીમેન ડોઝથી બીજદાન કરાવી પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.
કર્મચારીઓ અને સંચાલકોની કામગીરીની પ્રશંસા:
કાર્યક્રમ દરમિયાન ડાયરેક્ટર મુળરાજભાઈ પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે ડાયરેક્ટર માવજીભાઈ ભાલીયાએ સંઘના અભૂતપૂર્વ વિકાસ માટે કાર્યવાહકો અને કર્મચારીઓની નિષ્ઠાની પ્રશંસા કરી હતી. સમગ્ર સભાનું સફળ સંચાલન ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ કર્યું હતું. ૨૫ વર્ષની આ સફરની પૂર્ણાહુતિ સાથે જ સર્વોત્તમ ડેરીએ આગામી વર્ષોમાં પશુપાલકોના ઉત્કર્ષ માટે નવા સંકલ્પો સાથે આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
