<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

કટુડાથી રાજસીતાપુર તરફ જતી નર્મદાની માઇનોર કેનાલ ઉખાડી નખાઈ

એક તરફ ૧૨ વર્ષથી એક પણ વખત પાણી નથી છોડવામાં આવ્‍યું અને બીજી તરફ ૨૫ લાખનો ખર્ચ કરી અચાનક બાવળ કટીંગનું કામ શરૂ કરાવ્‍યું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧: સુરેન્‍દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની કામગીરી સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્‍યમાં સૌથી વધુ નર્મદા કેનાલોનો લાભ લેતો જિલ્લો હોય તો તે સુરેન્‍દ્રનગર જિલ્લો છે ત્‍યારે આ જ નર્મદાની કેનાલો વારંવાર વિવાદમાં આવી રહી છે જેમાં કટુડા ગામ થી રાજ સીતાપુર સુધી ત્રણ કિલોમીટરની માઇનોર કેનાલ પસાર થઈ રહી છે અને આ કેનાલ ૧૨ વર્ષ પહેલા નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવા આશય સાથે ખેડૂતોના ખેતરોની જમીનો સંપાદન કરી અને ત્‍યારબાદ બનાવવામાં આવી છે.

કેનાલ બની તેને ૧૨ વર્ષથી વધુ સમયગાળો થઈ ગયો છતાં એક પણ વખત નર્મદા વિભાગ દ્વારા કેનાલ બન્‍યા પછી પાણી છોડવામાં નથી આવ્‍યું અને આ કેનાલનો લાભ કોઈપણ પ્રકારનો ખેડૂતોને નથી મળ્‍યો ત્‍યાં હવે નર્મદા વિભાગ દ્વારા માઇનોર કેનાલ સાફ સફાઈ પાછળ ૨૫ લાખ રૂપિયાનું ટેન્‍ડર બહાર પાડી દેવામાં આવ્‍યું અને કોન્‍ટ્રાક એજન્‍સીને આ કેનાલ રીપેરીંગ માટેની કામગીરી પણ સોંપી દેવામાં આવી જેમાં બાવળ કટીંગની કામગીરી કરવા માટેનું આ ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું છે.

જોકે આ કોન્‍ટ્રાક એજન્‍સી દ્વારા નર્મદા કેનાલની અંદર ઉગેલા બાવળ અને ઝાડ દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે પરંતુ બીજી તરફ કોન્‍ટ્રાક એજન્‍સી દ્વારા ત્રણ કિલોમીટરની લાંબી કેનાલો અનેક જગ્‍યાઓ ઉપરથી ઉખાડી નાખવામાં આવી છે કેનાલો ઉખડી જતા ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે અત્‍યંત ખરાબ હાલતની કેનાલોમાં જ્‍યારે પાણી છોડવાની શરૂઆત તંત્ર દ્વારા કરવામાં આવશે ત્‍યારે ખેડૂતોના ખેતરોમાં આ પાણી ભરાઈ જશે અને જેને લઈને ખેડૂતોના ખેતરો ને પણ નુકસાન પહોંચશે.

ગામના સરપંચ અને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને સંપર્ક કરવામાં આવ્‍યો છે અને અધિકારીઓને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને કોન્‍ટ્રાક એજન્‍સી દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી જેની સમગ્ર વિગતો પણ અધિકારીઓને ખેડૂતો દ્વારા અને સરપંચ દ્વારા જણાવવામાં આવી છે આખી કેનાલ જ ઉખાડી નાખવામાં આવી છે અને કોન્‍ટ્રાક એજન્‍સીની બેદરકારી સામે ખેડૂતો દ્વારા પણ રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

સરપંચ અને આગેવાનો દ્વારા આ અંગે નર્મદા વિભાગના અધિકારી રાઠોડ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે બાવળ કટીંગ દરમિયાન કેનાલો ઉખડી ગઈ છે એટલે અત્‍યંત ખરાબ હાલતમાં થઈ ગઈ છે હવે તેના રીનોવેશન પાછળ ૮૦ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવશે તેની ટેન્‍ડર પ્રક્રિયા પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે પરંતુ બીજી તરફ છેલ્લા ૧૨ વર્ષથી વધુ સમયથી બનેલી કેનાલમાં એક પણ વખત પાણી નથી છોડવામાં આવ્‍યું અને ત્‍યાં અચાનક બાવળ કટીંગ અને ઝાડ કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી પણ હવે આ કેનાલ પાછળ ફરી ૮૦ લાખથી વધુનો ખર્ચો નર્મદા વિભાગ કરશે ત્‍યારે ખેડૂતોને તો પાણી નથી મળ્‍યું બીજી તરફ કરોડો રૂપિયાના ગ્રાન્‍ટોનો આંધણ થઈ ગયો હોવાનો ઘાટ સર્જાયો છે.

ગામના સરપંચના પતિ શક્‍તિસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે ગામમાં ત્રણ કિલોમીટરની લાંબી માઇનોર કેનાલ પસાર થઈ રહી છે ૧૨ વર્ષ પહેલાં કેનાલ બનાવવામાં આવી છે જેમાં એક પણ વખત પાણી છોડવામાં નથી આવ્‍યું અને હવે તંત્રને અચાનક કેનાલની અંદર ઝાડ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિવાદ થયો છે અને કોન્‍ટ્રાક એજન્‍સી દ્વારા જે કામગીરી કરવામાં આવી છે જેમાં કેનાલો જ ઉખાડી નાખવામાં આવી છે ત્‍યારે અગામી દિવસોમાં જો આ પ્રકારની કેનાલોમાં પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ખેતરોને પણ નુકસાન જવાની ભીતિ ઉભી થઈ છે ત્‍યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્‍ડ લેવલ ઉપર તેની કામગીરી ન થતી હોવાનો ઘાટ સર્જાયો છે. 

 

(11:25 AM IST)