News of Wednesday, 1st April 2026
પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીની શોભાયાત્રાનું સ્વાગત
માધવપુરમાં વિવાહ બાદ નીકળેલી શોભાયાત્રા સુદામા ચોકમાં આવતા પ્રતિકાત્મક વેશમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના દર્શન માટે ભાવિકો ઉમટયાઃ રાસની રમઝટમાં જિલ્લા કલેકટર તથા અધિકારીઓ જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ :.. માધવપુરથી નીકળેલી અને દ્વારકા જતી ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીની શોભાયાત્રા સુદામા ચોકમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા સમયે રાસની રમઝટ બોલી હતી. આ રાસમાં જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, અને તંત્રના અધિકારીઓ જોડાઇને રાસ રમ્યા હતાં.
માધવપુર ખાતે ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રૂક્ષ્મણીના વિવાહોત્સવ બાદ શોભાયાત્રા માધવપુરથી પ્રસ્થાન કરી હતી અને પોરબંદર ખાતે પહોચતા મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રા સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિરભાનુની ખાંભીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા કમલાબાગ હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક માર્ગે પસાર થઈ બોખીરા બસ સ્ટેન્ડ સુધી રીતે નીકળી હતી. સુશોભિત રથમાં બિરાજમાન પ્રતિકાત્મક વેશમાં ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રૂક્ષ્મણીના દર્શન માટે શહેરભરના ભક્તો ઉમટી પડ્યા હતા. માર્ગમાં ફૂલોની વર્ષા, ઢોલ-શરણાઈના સૂર અને રાસ-ગરબાની રમઝટ સાથે શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા.
સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રૂક્ષ્મણીને હાર પહેરાવી આવકાર આપ્યો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી એચ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી સહિત અધિકારીઓ પણ રાસમાં જોડાતા લોકઉલ્લાસ બમણો થયો હતો. શહેરના વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મનન ચતુર્વેદી, મામલતદાર શ્રી બી.વી. ચંચાણીયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો શોભાયાત્રાના સ્વાગત સમયે ઉપસ્થિત રહ્યા હતા.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
