News of Wednesday, 1st April 2026
વંથલીના સોનારડી ગામે ૯૬૦ બોટલ સાથે વૃદ્ધ પકડાયો, પુત્ર ફરાર
આઈજીની કચેરી ક્રાઈમ-૧ શાખાના સ્ટાફે ૩ વાહન સહિત ૭.૨૧ લાખનો મુદામાલ કબજે કર્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧ : વંથલીના સોનારડી ગામે રહેણાંક મકાનમાં આઈજીની કચેરી ક્રાઈમ-૧ શાખાના સ્ટાફે દરોડો પાડી ૯૬૦ બોટલ સાથે વળદ્ધને પકડી લીધો હતો જ્યારે તેનો પુત્ર ફરાર થઈ જતા ૩ વાહન સહિત ૭.૨૧ લાખનો મુદામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી..
ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી જૂનાગઢ રેન્જ આઈજીની કચેરી ક્રાઈમ-૧ શાખાના પીએસઆઇ બી. ડી. માવદીયા સહિત સ્ટાફ અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, વંથલી તાલુકાના સોનારડી ગામે મેઈન બજારમાં રહેતા અનવર આમદભાઈ પલેજા અને તેના પિતા આમદ મુસાભાઈ પલેજાએ તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો કટીંગ અર્થ રાખેલ છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મકાનમાં તપાસ હાથ ધરતા મકાનના ફળિયામાં રહેલ સફેદ કલરની જીજે ૧૧ બીએચ ૭૮૨૮ નંબરની કાર, જીજે ૧૧ ડીએ ૪૪૩૩ નંબરનું બાઈક અને જીજે ૧૧ સીએફ ૪૦૧૧ નંબરના મોપેડની તલાસી લેતા ત્રણેય વાહનમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૯૬૦ નાની બોટલો મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી આમદ મુસાભાઈ પલેજા (ઉં.વ. ૬૮)ની ધરપકડ કરી હતી. જ્યારે તેનો પુત્ર અનવર પલેજા હાજર મળી આવ્યો ન હતો. પોલીસે રૂપિયા ૨,૮૮,૦૦૦નો દારૂનો જથ્થો, ૩ લાખની કાર, રૂ. ૮૦ હજારનું ઇલેક્ટ્રિક મોપેડ, રૂ. ૫૦ હજારનું બાઈક અને રૂ. ૩,૦૦૦નો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. વંથલી પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચનાથી ડી.આઈ.જી.પી. કચેરી જુનાગઢ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર કે.જી.મોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. ડી.માવદીયા તથા સ્ટાઇકિંગ ફોર્સના એએસઆઈ ગીરુભા વાઘેલા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા,પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર,પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ મોરી, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ વાવેચા, નવલભાઇ નલિયાપરા,જયેશભાઈ મારુ,કેતનભાઇ મકવાણા જુનાગઢ રેન્જ વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતા ત્યારે કરવામાં આવી છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
