News of Wednesday, 1st April 2026
જામનગરના નવા જિલ્લા કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ સંભાળ્યો પદભાર : વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાની નેમ : જુઓ વિડીયો
નવનિયુક્ત કલેક્ટરે વિધિવત કાર્યભાર સંભાળી લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિરાકરણની આપી ખાતરી : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સુચારૂ રીતે પાર પાડવી વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા રહેશે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે પી.બી. પંડ્યાએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. કલેક્ટર કચેરી ખાતે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી તેમણે જિલ્લાના મુખ્ય વહીવટી વડા તરીકેની જવાબદારી સ્વીકારી હતી. આ પ્રસંગે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વહીવટને પ્રજાભિમુખ બનાવવાની કટિબદ્ધતા:
પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત કલેક્ટરે જિલ્લાની ભૌગોલિક અને વહીવટી પરિસ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો અમલ વધુ અસરકારક રીતે થાય અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં વહીવટી તંત્ર કાર્યરત રહેશે. જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તમામ વિભાગો સાથે સંકલન સાધીને પારદર્શક અને ગતિશીલ વહીવટ પૂરો પાડવાની તેમણે ખાતરી આપી હતી.
ચૂંટણી પ્રક્રિયા વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા:
કલેક્ટરે વિશેષરૂપે જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર મહાનગરપાલિકા, પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીઓ સંપૂર્ણ સફળતાથી અને સુચારૂ રીતે પાર પડે તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા રહેશે. જનતાના કામોમાં ઝડપ લાવવા અને વહીવટને વધુ પ્રજાભિમુખ બનાવવાના સંકલ્પ સાથે તેમણે જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી.
અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ:
આ પદભાર ગ્રહણ કરવાના પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ સ્તરના અધિકારીઓ અને કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા કલેક્ટરના આગમન સાથે જ જિલ્લામાં વહીવટી કામગીરીમાં નવી ઉર્જા અને ગતિ આવશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે વહીવટી તંત્રના વડા તરીકે વિધિવત રીતે કાર્ય શરૂ કરી દીધું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
