<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ભાવનગરના મહુવાના લોંગડી ગામે તિથિ ભોજન બાદ 150થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર

70 બાળકો મહુવા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ: શાળાના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓએ આ ભોજન લીધું હતું

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની (ખોરાકી ઝેર) અસર થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદાજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાની લોંગડી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા મહાવીર સમાજના રામપીર મંદિર દ્વારા આજે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓએ આ ભોજન લીધું હતું. ભોજન લીધાના થોડા સમય બાદ વિદ્યાર્થીઓને ઉલટી-ઉબકા અને પેટમાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો વર્તાવા લાગી હતી.

ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા. અસરગ્રસ્ત બાળકો પૈકી 70 જેટલા વિદ્યાર્થીઓને મહુવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય બાળકોને નજીકના ખાનગી દવાખાનાઓમાં સારવાર માટે ખસેડાયા છે

 

(9:26 PM IST)