News of Wednesday, 1st April 2026
રાજ્યમાં ફરી માવઠાની આફત : આવતીકાલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ જામશે : 4 તારીખ સુધી મેઘરાજાની એન્ટ્રીની શક્યતા
હવામાન નિષ્ણાત વિશાલ પાનસૂરિયાની આગાહી : 7 અને 8 તારીખે પણ ફરીથી છુટાછવાયા વરસાદી રાઉન્ડની શક્યતા રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રાજકોટ: રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાત વિશાલ પાનસૂરિયા દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ રાઉન્ડની શરૂઆત આવતીકાલે બપોર બાદથી થવાની સંભાવના છે, જેની અસર મુખ્યત્વે કચ્છ સાઈડથી જોવા મળશે.
વરસાદી રાઉન્ડની વિગતવાર માહિતી:
વિશાલ પાનસૂરિયાના જણાવ્યા અનુસાર, આવતીકાલે બપોર પછી અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના પંથકથી માવઠાની શરૂઆત થશે. આ વરસાદી માહોલ 4 તારીખ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની પ્રબળ શક્યતાઓ રહેલી છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની અસર સીમિત વિસ્તારોમાં જોવા મળશે.
આગોતરું અનુમાન અને ખેડૂતોમાં ફાળ:
માત્ર આગામી 4 તારીખ સુધી જ નહીં, પરંતુ ત્યારપછી પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે. વિશાલ પાનસૂરિયાએ આગોતરું એંધાણ આપતા જણાવ્યું છે કે, 7 અને 8 તારીખે પણ ફરીથી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં માવઠાનો રાઉન્ડ આવવાની શક્યતા છે. આ અંગેની વધુ સચોટ અપડેટ આગામી સમયમાં આપવામાં આવશે.
રાજ્યમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે બીજી તરફ માવઠાની આ આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે જગતના તાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
