તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Thursday, 2nd April 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ સજ્જ : દાવેદારોની સેન્સ લેવા નિરીક્ષકોની ફોજ મેદાનમાં : વાંચો વિગતવાર
શહેરના ૧૬ વોર્ડ માટે ફ્રેન્ડ્સ હોલ અને શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયાનો ધમધમાટ : ધારાસભ્યો અને પૂર્વ મેયર સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યકરોનો મિજાજ પારખશે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપ દ્વારા સ્થાનિક સ્તરે દાવેદારોને સાંભળવા અને સંગઠનનો સૂર જાણવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જામનગર મહાનગરના મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરના જણાવ્યા અનુસાર, શહેરના તમામ ૧૬ વોર્ડ માટે બે અલગ-અલગ સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
વોર્ડ ૧ થી ૮ માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે રજૂઆત:
શહેરના વોર્ડ નંબર ૧ થી ૮ ના સંભવિત દાવેદારો અને કાર્યકરો માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિરીક્ષક તરીકે પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ અનુભવી નેતાઓની નિમણૂક કરાઈ છે, જેમાં ધારાસભ્ય કેશવલાલ પટેલ (કેશુભાઈ), કર્ણાવતીના પૂર્વ શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ તથા ગાંધીનગરના પૂર્વ દંડક અને પ્રદેશ કારોબારી સભ્ય તેજલબેન નાયીનો સમાવેશ થાય છે. આ નિરીક્ષકો સ્થાનિક સમીકરણો અને ઉમેદવારોની સક્ષમતાની ચકાસણી કરશે.
વોર્ડ ૯ થી ૧૬ માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ધમધમાટ:
બીજી તરફ, વોર્ડ નંબર ૯ થી ૧૬ ના દાવેદારોને સાંભળવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. આ વિસ્તારની જવાબદારી ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ મંત્રી અમિતભાઈ ઠાકર, પૂર્વ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ મેયર ગૌતમભાઈ શાહને સોંપવામાં આવી છે. આ દિગ્ગજ નિરીક્ષકો દરેક વોર્ડના પેનલના નામ તૈયાર કરી પ્રદેશ હાઈકમાન્ડને અહેવાલ સોંપશે.
ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો:
ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે મજબૂત નિરીક્ષકોની ટીમ ઉતારવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે પક્ષ દરેક વોર્ડમાં વિજેતા બની શકે તેવા મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારવા માંગે છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ રીતે રજૂઆતો કરવા માટે કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ નિરીક્ષકોના અહેવાલ બાદ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
