તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૬, સોમવાર
News of Thursday, 2nd April 2026
દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ : મોટી વેરાવળમાં કરા પડયા : જુઓ વિડીયો
માવઠાની આગાહીથી ખેડુતોમાં ચિંતાઃ ખંભાળીયામાં પણ વરસાદનું જોરદાર ઝાપટુ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

તસ્વીરમાં દેવભુમી દ્વારકા તથા ખંભાળીયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો. જે નજરે પડે છે. (તસ્વીરઃ કોૈશલ સવજાણી, ખંભાળીયા)
રાજકોટ, તા., ૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ૪ એપ્રિલ સુધી માવઠાની આગાહી કરવામાં આવતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી મુજબ આજે બપોરે દેવભુમી દ્વારકા અને જામનગર તથા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.
ખંભાળીયા
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ખંભાળીયામાં આજે બપોરે ૧ વાગ્યે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદનું જોરદાર ઝાપટુ પડી જતા રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વિજ પુરવઠો પણ ખોરવાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દ્વારકામાં પણ વરસાદ પડતા આ વરસાદ ૨ મીમી નોંધાયો હતો.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં આજે બપોરે ર વાગ્યા બાદ વાદળછાંયુ વાતાવરણ છવાયુ હતું. કોઇ-કોઇ જગ્યાએ છાંટા પડયા હતા. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે કરા સાથે વરસાદ પડયો હતો.
આ વરસાદ દેવભુમી દ્વારકા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમ અકિલા ફેસબુક લાઇવના શ્રોતા મોટી પાનેલીના ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવતા અનેક વાદળા છવાઇ જતા ઘઉં સહિતના પાકમાં નુકશાન થવાની શકયતા છે. આજે બપોરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ગુજરાતની એકદમ નજક પહોંચી ગયા હોવાનું સેટેલાઇટ પીકચરમાં જોવા મળ્યું છે. આજથી તા. ૪ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર જુનાગઢ અમરેલી,ભાવનગર,દેવભુમી દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
