તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 2nd April 2026
જામનગરમાં એસીબીનો મોટો સપાટો : 4.52 લાખની લાંચ લેતા CPWD ના આસિસ્ટન્ટ એન્જિનિયર વિજયકુમાર મીના રંગેહાથ ઝડપાયા : આર.એન. વિરાણીની ટીમે કરી સફળ ટ્રેપ : જુઓ વિડીયો
આયુર્વેદ યુનિવર્સીટી રિસર્ચ સેન્ટર અને BSF કેન્દ્રના ઇલેક્ટ્રિક કામના બિલો મંજૂર કરવા પેટે માંગી હતી લાંચ : મદદનીશ નિયામક જે.ડી. મેવાડા અને બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસીબીએ છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીને દબોચ્યો

જામનગર:જામનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે આજે એક મોટી સફળ ટ્રેપ કરવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ની જામનગર સ્થિત ઇલેક્ટ્રિક શાખામાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીનાને રૂપિયા ૪,૫૨,૦૦૦ ની મસમોટી લાંચ લેતા તેમની જ ચેમ્બરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સફળ કામગીરીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બિલ મંજૂર કરવા માટે માંગી હતી લાંચ:
સમગ્ર બનાવની વિગત મુજબ, ફરિયાદ કરનાર જાગૃત નાગરિકના મિત્રને જામનગર નજીક લાખાબાવડ પાટિયા પાસે બની રહેલા આયુર્વેદ યુનિવર્સીટી અને WHO ના સંયુક્ત રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામગીરી તેમજ દેવભૂમિ દ્વારકાના મોજપ ગામે બીએસએફ (BSF) મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ફિટિંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આક્ષેપિત મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ રૂપિયા ૪,૫૨,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીની ટીમે ગોઠવ્યું છટકું:
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી અને જામનગર એસીબી સ્ટાફ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે ૦૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી સીપીડબલ્યુડીની કચેરીમાં આક્ષેપિતની ચેમ્બરમાં જ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વિજયકુમાર મીનાએ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૪,૫૨,૦૦૦ સ્વીકાર્યા હતા અને લાંચની રકમ મળી ગઈ હોવાની ફરિયાદીના મિત્ર સાથે મોબાઈલ ફોન પર કબૂલાત પણ કરી હતી.
ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી:
લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે ત્રાટકીને પૂરેપૂરી રકમ રિકવર કરી અધિકારીને રંગેહાથ ઝડપી લીધા હતા. આ સમગ્ર ઓપરેશન એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. હાલ એસીબી દ્વારા આક્ષેપિત અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
