News of Friday, 3rd April 2026
જૂનાગઢ જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળતા ચકચાર :એક મોબાઇલ, બેટરી તેમજ બે સીમકાર્ડ અને એડેપ્ટર મળ્યા
કાચા કામના કેદી અયાનના ગાદલા નીચેથી મોબાઇલ મળ્યો: વધુ તપાસ કરતા ખીસ્સામાથી વધુ એક સીમકાર્ડ મળ્યું: કાચા કામના કેદી અયાન વિરૂદ્ધ એ ડીવીઝનમાં ફરિયાદ

ફોટો
જૂનાગઢ જિલ્લા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન એક કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન, બેટરી અને ચાલુ હાલતમાં સીમકાર્ડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જેલ સત્તાધીશોએ ગુનો નોંધી જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ તેજ કરી છે.
જેલની બેરેક નંબર 9 માં જેલ સ્ટાફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાચા કામના કેદી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયાના ગાદલા નીચે તપાસ કરતા જેલ પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. ગાદલા નીચે છુપાવી રાખેલો એક મોબાઈલ ફોન, બેટરી અને એક સીમકાર્ડ મળી આવ્યા હતા
કેદી અયાનની વધુ તપાસ અને અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી વધુ એક ચાલુ હાલતનું સીમકાર્ડ અને ફોન ચાર્જ કરવા માટેનું એડેપ્ટર પણ મળી આવ્યું હતું. જેલની હાઈ-સિક્યોરિટી વચ્ચે કેદી પાસે આટલી પ્રતિબંધિત વસ્તુઓ હોવી તે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે.
આ સમગ્ર મામલે કેદી અયાન વિરૂદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે,જેલની બહારથી આ મોબાઈલ અને સીમકાર્ડ કોણે મોકલ્યા હતા? આ ઉપરાંત જેલના અન્ય કયા કેદીઓ આ નેટવર્કમાં સામેલ છે તેની પણ કડીઓ મેળવવામાં આવી રહી છે. જેણે મોબાઈલ પહોંચાડવામાં મદદ કરી છે તેવા બહારના ઈસમો સામે પણ કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
