<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જામનગર મહાનગર ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ : ૧૬ વોર્ડમાં દાવેદારોનો ભારે ધસારો

બે અલગ-અલગ ઝોનમાં પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા : વોર્ડ દીઠ સરેરાશ ૪૦થી વધુ કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવતા પસંદગીકાર સમિતિની કસોટી થશે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના તમામ ૧૬ વોર્ડના સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોની વિશેષ ટીમ જામનગર આવી પહોંચી હતી, જેમણે બે અલગ-અલગ ઝોનમાં દાવેદારોની રજૂઆતો સાંભળી હતી.

ઝોન-૧: ફ્રેન્ડ્સ હોલ ખાતે ૮ વોર્ડની સેન્સ લેવાઈ:
વોર્ડ નંબર ૧ થી ૮ માટેની સેન્સ પ્રક્રિયા ફ્રેન્ડ્સ હોલ ખાતે રાખવામાં આવી હતી. અહીં પ્રદેશ નિરીક્ષક તરીકે ધારાસભ્ય કેશવલાલ પટેલ (કેશુભાઈ), પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ અને પ્રદેશ કારોબારી સભ્ય તેજલબેન નાયી ઉપસ્થિત રહ્યા હતા. આ ઝોનમાં વોર્ડવાર દાવેદારોની સંખ્યા નીચે મુજબ રહી હતી:
વોર્ડ-૧ માં ૨૫, વોર્ડ-૨ માં ૨૮, વોર્ડ-૩ માં ૪૭, વોર્ડ-૪ માં ૨૭, વોર્ડ-૫ માં ૩૪, વોર્ડ-૬ માં ૨૫, વોર્ડ-૭ માં ૪૮ અને વોર્ડ-૮ માં ૪૩ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

ઝોન-૨: શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકોની બેઠક
વોર્ડ નંબર ૯ થી ૧૬ માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશ નિરીક્ષક તરીકે ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ અને પૂર્વ મેયર ગૌતમભાઈ શાહે દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળ્યા હતા. આ ઝોનના આંકડાઓ મુજબ:
વોર્ડ-૯ માં ૪૬, વોર્ડ-૧૦ માં ૪૩, વોર્ડ-૧૧ માં ૪૩, વોર્ડ-૧૨ માં સૌથી ઓછા ૦૫, વોર્ડ-૧૩ માં ૪૫, વોર્ડ-૧૪ માં ૪૪ અને વોર્ડ-૧૫ તેમજ ૧૬ માં ૪૦-૪૦ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પસંદગી પ્રક્રિયા તેજ:
જામનગર મહાનગરના ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરના જણાવ્યા અનુસાર, આ સેન્સ પ્રક્રિયા બાદ હવે નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપશે. મોટાભાગના વોર્ડમાં દાવેદારોની સંખ્યા મોટી હોવાથી પક્ષ દ્વારા સંગઠન પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતાના આધારે આખરી નામો નક્કી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉમટી પડતા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

(10:38 PM IST)