<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં,તો ભાજપનાં બે નેતા આમ આદમી પાર્ટીમાં નગરપાલિકાની ચુંટણીઓ પુર્વે રાજકારણમાં પાટલી બદલવાની મૌસમ ખીલી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૪: ગોંડલમાં નગરપાલિકા, તાલુકા, જીલ્લા પંચાયતની ચુંટણીઓ પુર્વે રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક સમયથી સુસુપ્ત રહેલુ રાજકારણ ગરમી પકડી રહ્યુ છે. ત્‍યારે પાટલી બદલવાની મૌસમ પણ ખીલી ઉઠી છે.

શહેર મહીલા કોંગ્રેસનાં પ્રમુખ ક્રિષ્‍નાબેન રાજેશભાઈ તન્ના તથા શહેર કોંગ્રેસ મહામંત્રી દિપકભાઈ પટેલે કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ભગવો અંગીકાર કર્યો છે. આ બન્ને આગેવાનોને ભાજપ મોવડી તથા પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા છે. ક્રિષ્‍નાબેન તન્ના મુળ ભાજપી છે. પરંતુ નારાજગી સાથે ભાજપ છોડી કોંગ્રેસનો હાથ જાલ્‍યો હતો. પાંચ વર્ષ બાદ તેમણે ફરી ઘર વાપસી કરી છે.

બીજી બાજુ તાલુકા ભાજપના પુર્વ ઉપપ્રમુખ અઢી દશકાથી સંગઠનમાં રહી ચુકેલા મેહુલભાઈ આસોદરીયા ઉપરાંત જુના ભાજપી રતિલાલ લુણાગરીયા એ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્‍યુ છે. આપનાં નેતા જીગીશાબેન પટેલે બન્ને આગેવાનોને આપમાં વિધિવત પ્રવેશ આપ્‍યો છે.

ગોંડલ સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચુંટણીઓમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાની શકયતાઓ વચ્‍ચે ઘણા સમીકરણો બદલે તેવી ચર્ચાઓ છે. 

(11:55 AM IST)