News of Saturday, 4th April 2026
ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે જામનગરના દરિયાકાંઠે સુરક્ષા કવચ મજબૂત : મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ પટ્ટી પર સઘન પેટ્રોલિંગ : જુઓ વિડીયો
વેસ્ટ એશિયામાં સર્જાયેલી અસ્થિરતાને પગલે એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોડીયા બંદરથી સચાણા સુધી મરીન કમાન્ડો તૈનાત : શંકાસ્પદ બોટ, લેન્ડિંગ પોઈન્ટ અને અવાવરું સ્થળોની ઝીણવટભરી તપાસ

જામનગર: વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ખાસ કરીને ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. દરિયાઈ માર્ગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના કોસ્ટલ વિસ્તારમાં વ્યાપક અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેસ્ટ એશિયાની તંગ પરિસ્થિતિને પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સતર્કતા વધારવી અનિવાર્ય બની હોય, ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી:
દરિયાઈ સુરક્ષાને વધુ સંગીન બનાવવાના ભાગરૂપે એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા તેમજ મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા અને પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ગઈકાલે તા. ૩ એપ્રિલ ૨૦26ના રોજ સમગ્ર જામનગર કોસ્ટલ બેલ્ટ પર “સઘન કોસ્ટલ પેટ્રોલિંગ” કરવામાં આવ્યું હતું. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ હિલચાલને ડામી દેવાનો છે.
જોડીયાથી સચાણા સુધી મરીન કમાન્ડોનું ફૂટ પેટ્રોલિંગ:
આ સુરક્ષા અભિયાન દરમિયાન મરીન ટાસ્ક ફોર્સની ટીમોએ જોડીયા બંદર, બાલાચડી, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ અને સચાણા જેટી સહિતના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોને આવરી લીધા હતા. મરીન કમાન્ડોની ટુકડીઓ દ્વારા આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન દરિયાકિનારે આવેલા લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટરો, જૂની જેટીઓ અને અવાવરું સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શંકાસ્પદ બોટ અને ઈસમો પર ચાંપતી નજર:
પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ જણાતા ઈસમોની પણ પૂછપરછ અને ચકાસણી કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણો વચ્ચે જામનગર જેવા મહત્વના દરિયાઈ જિલ્લાની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
