<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પોરબંદર એરપોર્ટ પાસે અકસ્‍માતમાં ૩ યુવાનોના મોતઃ ૨ ગંભીર

વહેલી સવારે હાઈસ્‍પીડમાં જઈ રહેલા બે બાઈક સામસામે અથડાયાઃ મિલન બાદશાહી, દીપેશ ઢાકેચા અને વનરાજ ઝાલાએ અકસ્‍માતમાં જીવ ગુમાવ્‍યોઃ ફુલ સ્‍પીડમાં બંને બાઈક સામસામે અથડાયાનો અકસ્‍માત એવો ભયંકર હતો કે પાંચેય યુવાનો રોડ ઉપર ફંગોળાય ગયેલ અને ઘટના સ્‍થળે લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા : એક બાઈક ચાલક રોંગ સાઈડ ફુલ સ્‍પીડમાં આવતા જીવલેણ અકસ્‍માત સર્જાયાની પ્રાથમિક વિગત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: એરપોર્ટ રોડ ઉપર આજે વહેલી સવારે અતિ સ્‍પીડમાં જઈ રહેલા બે બાઈકો સામસામે અથડાતા મિલન બાદશાહી દીપેશ ઢાકેચા અને વનરાજ ઝાલા ત્રણેય યુવાનોના મોત નીપજતા કરૂણતા વ્‍યાપી ગઈ છે.

આ અકસ્‍માતમાં પિયુશ કિશોરભાઈ લોઢારી (ઉ.૨૪) અને પ્રતિક નિલેશભાઈ જેઠવા બંનેને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે. જેમાં પિયુશની સ્‍થિતી અત્‍યંત ગંભીર અને પ્રતિકની હાલત સ્‍થિત બતાવવામાં આવી રહી છે.

એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે ફૂલ ઝડપે આવી રહ્યા હતા ત્‍યારે તેમની વચ્‍ચે સીધી ભયંકર ટક્કર થઈ હતી. અકસ્‍માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર પાંચેય યુવાનો મિલન બાદશાહી, દીપેશ ઢાકેચા, વનરાજ ઝાલા, પીયુષ કિશોરભાઈ લોઢારી અને નિલેશ જેઠવા રોડ પર ફંગોળાયા હતા અને ઘટનાસ્‍થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. સ્‍થાનિક લોકોએ તાત્‍કાલિક મદદ માટે દોડી આવી એમ્‍બ્‍યુલન્‍સ મારફતે તમામને હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા.

આ પાંચેય યુવાનોને હોસ્‍પિટલે પહોંચાડેલ ત્‍યારે હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબોએ ૨૬ વર્ષીય મિલન બાદરશાહી, ૧૮ વર્ષીય દિપેશ ઢાકેચા અને ૧૭ વર્ષીય વનરાજ ઝાલા મળત જાહેર કર્યા હતા.

આ અકસ્‍માતમાં અન્‍ય બે ઘવાયેલ જેમાં ૨૪ વર્ષીય પિયુષ કિશોર લોઢારીની સ્‍થિતિ અત્‍યંત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે, જ્‍યારે ૧૪ વર્ષીય પ્રતિક નિલેશ જેઠવાની હાલત હાલમાં સ્‍થિર છે. માત્ર ૧૭ થી ૨૬ વર્ષની વયના આ આશાસ્‍પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા અને હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતા.

પોલીસે આ મામલે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારના સમયે કયા કારણોસર આટલી ભયાનક ટક્કર થઈ તે અંગે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોની બજાર અને પંચહાટડી જેવા રહેણાંક વિસ્‍તારોમાં યુવાનોના અકાળે અવસાનથી કરૂણતા વ્‍યાપી ગઈ છે.

(11:25 AM IST)