<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

શ્રી લોહાણા મહાપરિષદના ઝોન-૩ (સૌરાષ્‍ટ્ર-૩)ના ઝોનલ પ્રમુખ તરીકે પાર્થ ગીરીશભાઈ કોટેચાની વરણી

(વિનુ જોશી દ્વારા)  જૂનાગઢ, તા.૬: વિશ્વસ્‍તરીય રઘુવંશી સંસ્‍થા ‘શ્રી લોહાણા મહાપરિષદ' દ્વારા વર્ષ ૨૦૨૬-૨૦૩૧ ના ટર્મ માટે સંગઠનલક્ષી નવી નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢના યુવા અગ્રણી પાર્થ ગીરીશભાઈ કોટેચાની ઝોન-૩ (સૌરાષ્‍ટ્ર) ના ઝોનલ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

 શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી દ્વારા આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્‍યો છે. ઉલ્લેખનીય છે કે ઝોન-૩ માં જૂનાગઢ, વેરાવળ અને સોમનાથ જેવા મહત્‍વના વિસ્‍તારોનો સમાવેશ થાય છે. પાર્થભાઈ કોટેચા અગાઉ ગત ટર્મમાં આ જ ઝોનમાં યુથ વિંગના ઝોનલ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક સેવા આપી ચૂકયા છે. 

પાર્થ કોટેચા વ્‍યવસાયિક રીતે નોબલ યુનિવર્સિટીમાં એસોસિએટ વાઇસ પ્રેસિડેન્‍ટ તરીકે કાર્યરત છે અને એક જાણીતા મોટિવેશનલ સ્‍પીકર તથા લેખક તરીકે પણ નામના ધરાવે છે. તેમની આ નિમણૂકને પગલે રઘુવંશી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

પોતાની આ નિમણૂક બદલ શ્રી પાર્થ કોટેચાએ મહાપરિષદના પ્રમુખ  સતીષભાઈ વિઠલાણી તથા સમગ્ર ટ્રસ્‍ટી મંડળનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, આગામી સમયમાં ઝોન-૩ ના તમામ જિલ્લા અને તાલુકા ઘટકોને સાથે રાખીને સમાજલક્ષી કાર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેઓ કટિબદ્ધ રહેશે

(11:35 AM IST)