<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતીત

મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડકની અસર વર્તાયા બાદ આખો દિવસ ઉકળાટ

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતીત છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વર્તાઇ રહી છે.

જો કે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરે આકરો તાપ વર્તાય છે.

આગામી ૬ અને ૭ એપ્રિલે અનેક જિલ્લાઓમાં ક્‍મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્‍યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્‍યારબાદ ૮ એપ્રિલથી તાપમાનમાં વધારો થવાની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે તેમજ માછીમારોને ૬ અને ૭ એપ્રિલે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્‍યમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા ૭ એપ્રિલે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્‍તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, કચ્‍છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ૬ અને ૭ એપ્રિલ દરમિયાન  પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્‍તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં બહુ મોટો વધારો નહીં થાય, પરંતુ જેવી આ વરસાદી સિસ્‍ટમ પસાર થશે કે તરત જ એટલે કે ૮ એપ્રિલથી ગરમીનો પારો ફરીથી ઉંચકાય તેવી શકયતા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્‍થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩, મહત્તમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી.

(11:36 AM IST)