<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

મોરબીના પેપર મિલ ઉદ્યોગની મુશ્‍કેલીમાં વધારો,રો-મટીરીયલના ૭૦૦ થી ૮૦૦ કન્‍ટેનર દુબઈના પોર્ટ પર ફસાયા

એક બાજુ સિરામિક ઉદ્યોગો બંધ હોવાથી માલની ખપત નથી ઉપરથી રો મટીરીયલ મળતુ નથી

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૭: મોરબીની પેપર મિલો હાલમાં ગંભીર સંકટનો સામનો કરી રહી છે. મોરબીની આસપાસ આવેલી ૭૫ જેટલી પેપર મિલોમાંથી અમુક તો બંધ થઈ ગઈ છે. બાકીની પેપર મિલો માત્ર ૬૦%ઉત્‍પાદન ક્ષમતા સાથે જ ચાલી રહી છે. તેવામાં આ ઉદ્યોગમાં રો-મટીરીયલ તરીકે વપરાતા વેસ્‍ટ પેપરના ૭૫૦ જેટલા કન્‍ટેનરો દુબઈ ખાતે ફસાઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.

પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્‍યું છે કે ડિમાન્‍ડ ન હોવાના કારણે ૪ મિલો તો છેલ્લા એક મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવી છે. જ્‍યારે બાકીની મિલો ડચકા ખાતી ખાતી ચાલી રહી છે, એટલે કે ૨ દિવસ ચાલે અને ઓર્ડર ન હોય તો ૨ દિવસ બંધ રાખવી પડે તેવી સ્‍થિતિ છે. પેપર મિલોમાં નવા ઉત્‍પાદન માટે લોકલ અને વિદેશથી આયાત કરેલા વેસ્‍ટ પેપરનો ઉપયોગ રો-મટીરીયલ તરીકે થાય છે. યુરોપથી આવતો માલ દુબઈના જેબલ અલી પોર્ટ પર ર્શોટિંગ માટે જાય છે અને ત્‍યાંથી મુંદ્રા પોર્ટ આવે છે. પરંતુ હાલમાં યુદ્ધની સ્‍થિતિના કારણે GCC, US અને ખાસ કરીને જેબલ અલી પોર્ટ ઉપર આયાત કરેલા વેસ્‍ટ પેપરના ૭૫૦ થી ૮૦૦ જેટલા કન્‍ટેનરો ફસાઈ ગયા છે. જેના કારણે રો-મટીરીયલનો સ્‍ટોક દિવસ-રાત ઘટતો જાય છે.

મોરબીના સિરામિક ઉદ્યોગના ૬૦૦ જેટલા કારખાનાઓ અને પેકેજિંગ ઉદ્યોગના મોટાભાગના એકમો હાલ બંધ હોવાથી પેપર મિલોને માલનો ઉપાડ મળતો નથી. કન્‍ટેનરો ફસાઈ જવાથી રો-મટીરીયલની અછત સર્જાઈ છે. શૈલેષભાઈએ ઉમેર્યું હતું કે, રો-મટીરીયલની અછત વચ્‍ચે આયાતી વેસ્‍ટ પેપરના ભાવમાં ૨૫ ડોલરનો વધારો થયો છે અને ઇન્‍ડિયન લોકલ વેસ્‍ટના ભાવ પણ વધ્‍યા છે. જોકે, સામે ઓર્ડર ન હોવાથી અને હરીફાઈના કારણે ફિનિશ માલના ભાવ વધારી શકાતા નથી, જેનાથી ઉદ્યોગકારોને સીધી નુકસાની વેઠવી પડી રહી છેનઆવી કપરી પરિસ્‍થિતિમાં પણ મિલ ચાલુ હોય કે બંધ, મિલ માલિકોએ બેંકની લોનના EMI, કર્મચારીઓનો પગાર, વ્‍યાજ અને GEB ના મિનિમમ બિલ ભરવા જ પડે છે, જેનાથી આર્થિક ભારણ ઘણું વધી ગયું છે. (૩

(11:07 AM IST)