<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

પોરબંદરમાં અકસ્‍માત સમયે રેડક્રોસની ટીમ મદદ માટે દોડીઃ મૃતકોના પરિવારજનોને સાંત્‍વના

ઘવાયેલાઓને સમયસર સારવાર માટે હોસ્‍પિટલમાં લોહી અને દવાની વ્‍યવસ્‍થા કરાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭: એરપોર્ટ નજીક સર્જાયેલા બે બાઈક અકસ્‍માતમાં ચાર યુવાનોના મળત્‍યુ થયા છે,ત્‍યારે મળતકોના પરિવારજનોને સાંત્‍વના આપવા માટે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમ દોડી ગઈ હતી અને તમામ પ્રકારની મદદની ખાત્રી આપી હતી. અકસ્‍માતમાં ઘવાયેલાઓને સમયસર હોસ્‍પિટલ ખસેડીને લોહી અને દવાની વ્‍યવસ્‍થા કરાવી હતી.

આ દુઃખદ ઘટનાના પગલે મળતકોના પરિવારજનો પર આકાશ તુટી પડ્‍યું હોય તેવી સ્‍થિતિ સમયે માનવતાની ભાવના સાથે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, પોરબંદર જિલ્લા શાખાની ટીમ તાત્‍કાલિક હોસ્‍પિટલ પહોંચી હતી અને શોકાતુર પરિવારોને સાંત્‍વના પાઠવી હતી.આ ઘટનાની જાણ થતાં જ ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા પોતાના સહયોગીઓ સાથે ભાવસિંહજી હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા. હોસ્‍પિટલમાં પહોંચીને તેમણે અકસ્‍માતમાં જીવ ગુમાવનારા યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળી સાંત્‍વના પાઠવી હતી અને આ દુઃખની ઘડીએ તેઓ એકલા નથી, સમાજ અને સંસ્‍થાઓ તેમની સાથે ઉભી છે તેવો વિશ્વાસ આપ્‍યો હતો.

પરિવારજનો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમણે તમામ પ્રકારની શકય મદદ માટે સંસ્‍થા હંમેશા ખડેપગે રહેશે તેવી ખાત્રી પણ આપી હતી. અકસ્‍માત જેવી દુઃખદ ઘટના પછી પરિવારજનો પર માનસિક અને સામાજિક રીતે મોટો આઘાત પડે છે,ત્‍યારે આવા સમયે સંવેદનશીલ રીતે પહોંચીને સાંત્‍વના આપવીએ માનવસેવાનું મહત્‍વપુર્ણ રૂપ છે,જે કાર્ય રેડક્રોસની ટીમે નિષ્ઠાપુર્વક કર્યું હતું.

(11:55 AM IST)