News of Tuesday, 7th April 2026
વિષ્ણુ હોય એ સહિષ્ણુ હોય છેઃ પૂ. મોરારીબાપૂ દેવભૂમિ ઉતરાખંડમાં ‘માનસ પ્રયાગ' શ્રી રામકથામાં ઉમટતા ભાવિકો

રાજકોટઃ તા.૭, દેવભૂમિ ઉતરાખંડની દિવ્ય, ભવ્ય, સેવ્ય અને પંચપ્રાગ પૈકીની વિષ્ણુપ્રયાગની પાવન-પરમ ધરાપર પ્રવાહિત થઇ રહેલ રામકથા ‘માનસ પ્રયાગ' ના ત્રીજા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા પૂ. મોરારીબાપુએ કહયું કે...મારી પાસે કલા નથી પણ વિશેષણમુકત પ્રેમસભામાં ‘ત્રિભુવનીય' (દાદા-ગુરૂ ત્રિભુવનદાદા પાસેથી પ્રાપ્ત) વિદ્યા છે. ગઇકાલે પ્રેમસભામાં ઓશો પ્રેમી પ્રેમ પારસજી સાઉન્ડ ચેક -સેટ કરાવતા હતાં ત્યારે સતુઆ બાબાએ મને એક પ્રશ્ન કરેલો કે -બાપુ તમે આટલા વર્ષથી કથાગાન કરો છો તો તમે કયારેય આમ સાઉન્ડ ચેક-સેટ કરવાનું કહો છો ? જવાબઃ ના કયારેય નહિ કેમ કે હું કલાકાર નથી, મારી પાસે કલા નથી, મારી પાસે તંત્ર,મંત્ર,વેદ, યોગ પરા-અપાર એવી કોઇ વિદ્યા નથી, મારી પાસે તો વિશેષણમુકત ‘ત્રિભુવનીય' વિદ્યા છે. મને સૂર મારી મા સાવિત્રીમા પાસેથી મળ્યા છે, તાલ મારા બાપુ પ્રભુદાસબાપા પાસેથી અને સમન્વય દાદા પાસેથી મળ્યો છે.
રામાયણનું એક દૃશ્ય છે પર્ણકુટીમાં રામ-સીતાજી સૂતા છે બહાર લક્ષ્મણજી કુટીર ફરતો પહેરો ભરે છે, ત્યારે અચાનક રામજી જાગી જાય છે, રામ ઉદાસ છે, બે પગ વચ્ચે માથુ રાખીને જાગે છે રામજીને ઉંઘ નથી આવતી ! લક્ષ્મણ એક વખત જુએ છે, બીજી વખત જુએ છે, ત્રીજી વખત જુએ છે અને ચિંતિત છે, વિચારે છે કે મારાથી કોઇ ભૂલ થઇ છે કે રામજી ઉદાસીન છે ! પછી સીતાજી પણ જાગી જાય છે અને રામને ઉદાસીન જોઇને એ પણ ચિંતા કરવા લાગે છે, લક્ષ્મણએ ભાભીને પૂછયું કે- મા, કેમ મારા ભાઇ જાગે છે? મારાથી કોઇ અપરાધ કે સેવામાં કોઇ ચૂક થઇ છે ? સીતાજી અને લક્ષ્મણજી રામજીને પૂછે છે કે કેમ પ્રભુ ઉદાસીન છો ? જાગો છો ? કેમ નિંદ્રા નથી આવતી ? અમારાથી કોઇ ભૂલચૂક થઇ છે ? ત્યારે રામજી ભીની આંખે બોલે છે - કે ...મને ભરતની યાદ આવે છે ભરત ભૂલાતો નથી એટલે હું એને સતત યાદ કરીને ભરત...ભરત...ભરત રટણ કરુ છું... પ્રિય બાપુએ પણ આ પ્રસંગ દૃશ્ય ભીની આંખે વર્ણવયો ત્યારે કથા મંડપમાં બેઠેલા સર્વ કથાપ્રેમી શ્રાવકો બાપુના ફલાવર્સ-ફૂલડાંઓની આંખો પણ વરસતી હતી સમગ્ર વાતાવરણમાં જાણે કે રામજીની ઉદાસી છવાઇ ગઇ હતી- મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪૨૬૨ ૨૪૧૧પ/ ૮૧૪૦૨ ૧૩૧૩૦
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
