News of Tuesday, 7th April 2026
ગુજરાતીઓને અભણ કહેનારા કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો સણસણતો જવાબ - "ગુજરાતીઓ શિક્ષિત હતા, છે અને રહેશે" : જુઓ વિડીયો
ગાંધી, સરદાર, વિક્રમ સારાભાઈ અને અંબાણી જેવી વિભૂતિઓ આપનાર ગુજરાતની સાક્ષરતા સામે સવાલ ઉઠાવનાર નેતાને જગદીશ ત્રિવેદીએ અરીસો બતાવ્યો : શિક્ષણ સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોના ગૌરવશાળી ઈતિહાસ સાથે પાઠ ભણાવ્યો

ઈશ્વરિયા: રાષ્ટ્રીય કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેતા નિવેદન સામે જાણીતા સમાજસેવી, લોકકલાકાર અને પદ્મશ્રી સન્માનિત જગદીશ ત્રિવેદીએ આકરો પ્રહાર કર્યો છે. તેમણે એક સત્તાવાર નિવેદન જારી કરીને ખડગેને બરાબરનો પાઠ ભણાવતા કહ્યું છે કે ગુજરાતીઓ હંમેશાથી શિક્ષિત રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. ગુજરાતના શિક્ષણ અને પ્રતિભાનું અપમાન કરનાર નેતાને તેમણે પુરાવા સાથે સણસણતો જવાબ આપ્યો છે.
**ગુજરાતની વિશ્વવિખ્યાત વિભૂતિઓનો ઉલ્લેખ:**
જગદીશ ત્રિવેદીએ ગુજરાતની સાક્ષર સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર પટેલ અને દેશને પ્રથમ રાજ્ય સોંપનાર ભાવનગરના નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી સહિત અનેક રજવાડાના રાજાઓ ઉચ્ચ શિક્ષિત હતા અને વિદેશમાં અભ્યાસ કરી ચૂક્યા હતા. વર્તમાન સમયના વૈશ્વિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ, તેમજ સાહિત્ય જગતના માંધાતાઓ જેવા કે ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, સુંદરમ અને ઉમાશંકર જોષી જેવી અનેક પ્રતિભાઓ ગુજરાતે જ દુનિયાને આપી છે.
**શિક્ષણ સંસ્થાઓ અને નેતૃત્વ પર આકરા પ્રહાર:**
ગુજરાતના શૈક્ષણિક માળખાનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે, રાજ્યના દરેક જિલ્લામાં આજે સરેરાશ બે વિશ્વવિદ્યાલયો કાર્યરત છે, ત્યારે કોંગ્રેસી નેતાને આ શિક્ષણ કેમ દેખાયું નથી તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે. વધુમાં, ખડગેની અંગત ક્ષમતા પર ટકોર કરતા તેમણે ઉમેર્યું કે, "આપ તો અંગ્રેજીમાં લખેલું પણ બરાબર વાંચી શકતા નથી, જ્યારે ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશની ધરતી પર પણ સડસડાટ અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે."
**ગુજરાતી હોવાનું ગૌરવ:**
પોતે પણ એક ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કરતા જગદીશ ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું કે લોકકલાકારો, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ અને વિદ્વાનોની આ ભૂમિને અભણ કહેવી તે અજ્ઞાનતાની પરાકાષ્ઠા છે. આમ, ગુજરાતની ટીકા કરનાર રાષ્ટ્રીય નેતાને લોકકલાકાર અને વિદ્વાન વક્તાએ આંકડાકીય અને ઐતિહાસિક વિગતો સાથે જડબાતોડ જવાબ પાઠવીને ગુજરાતીઓની અસ્મિતાનું રક્ષણ કર્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
