<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

જામનગરમાં સંજય અને રણમલ નકુમે ૧૪ કાર ભાડે રાખ્યા બાદ બારોબાર ગીરવે મૂકી અડધા કરોડનું ચીટિંગ આચર્યું : પી.કે. ડાભીની ટીમે પિતા-પુત્રને ઝડપી ૮ વાહનો કબજે કર્યા

રાજકોટ આઈજી સમક્ષ વ્યાજખોરોની ફરિયાદ કરવા ગયેલા પિતા-પુત્ર પોતે જ ઠગ સાબિત થયા : પોલીસે દિવ્યરાજસિંહ, મયુરસિંહ, સહદેવસિંહ અને કરણસિંહ સામે ૨૧ લાખનું રાક્ષસી વ્યાજ વસૂલવા અંગે પણ ગુનો નોંધ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર:જામનગર શહેરના ગુણાતીતાનંદ નગર વિસ્તારમાં રહેતા સતવારા પિતા-પુત્રએ વાહનો ભાડે રાખવાના બહાને લોકો સાથે વિશ્વાસઘાત કરી અડધા કરોડથી વધુનું ચીટિંગ કર્યાનું મોટું કારસ્તાન પ્રકાશમાં આવ્યું છે. જામનગર સિટી 'સી' ડિવિઝન પોલીસ મથકમાં ધ્રુવરાજસિંહ જાડેજા નામના યુવાનની ફરિયાદના આધારે પોલીસે ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા સંજય રણમલ નકુમ અને તેના પિતા રણમલ કુરજી નકુમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ભેજાબાજ પિતા-પુત્રએ ભાડે લીધેલી ૧૪ જેટલી લક્ઝરી કાર અલગ-અલગ વ્યક્તિઓ પાસે ગીરવે મૂકી દઈ રોકડ રકમ મેળવી રફુચક્કર થઈ ગયા હતા.

**ભાડે લીધેલી કાર બારોબાર ગીરવે મૂકી ઠગાઈ:**
ફરિયાદની વિગતો મુજબ, આરોપી પિતા-પુત્રએ ધ્રુવરાજસિંહ અને તેમના પરિચિતો પાસેથી કુલ ૧૪ ગાડીઓ ભાડેથી ચલાવવા માટે લીધી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ ગાડીઓનું ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. જ્યારે વાહન માલિકોએ ઉઘરાણી કરી ત્યારે 'કંપનીમાંથી હજુ પેમેન્ટ આવ્યું નથી' તેવા બહાના બતાવી આરોપીઓએ છળકપટ આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ પિતા-પુત્રએ આ તમામ કાર જામનગરના જ અન્ય વ્યક્તિઓ પાસે ગીરવે મૂકી દીધી હતી અને તેના બદલામાં ૧૦ થી ૩૦ ટકા લેખે વ્યાજે નાણાં મેળવી લીધા હતા. આરોપીઓ ૧૪ ગાડીઓ અને અંદાજે ૫.૧૦ લાખ રોકડા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસને આશંકા છે કે આ આંકડો ૨૫ થી વધુ ગાડીઓ અને પોણા કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

**પી.કે. ડાભીની ટીમે પિતા-પુત્રને દબોચ્યા:**
સીટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.કે. ડાભી અને તેમની ડી. સ્ટાફની ટીમે આ ગંભીર ગુનામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સંજય નકુમ અને રણમલ નકુમને ઝડપી પાડ્યા છે. પોલીસની કડક પૂછપરછ બાદ આરોપીઓએ ગીરવે મૂકેલી ૧૪ ગાડીઓ પૈકીની ૮ ગાડીઓ રિકવર કરવામાં આવી છે, જે હાલ પોલીસ મથકે મૂકવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૨) અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

**વ્યાજખોરો સામે પણ પોલીસની લાલ આંખ:**
ચીટિંગના આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઠગ પિતા-પુત્ર વ્યાજખોરોથી બચવા માટે રાજકોટ રેન્જ આઈજી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, પોલીસ તપાસમાં તેઓ પોતે જ ગુનેગાર હોવાનું સાબિત થયું હતું. તેમ છતાં, આરોપી સંજય નકુમની ફરિયાદના આધારે પોલીસે જામનગરના ચાર વ્યાજખોરો દિવ્યરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને કરણસિંહ જાડેજા વિરુદ્ધ ૨૧ લાખનું રાક્ષસી વ્યાજ વસૂલવા બદલ ગુનો નોંધ્યો છે. સંજયે આક્ષેપ કર્યો છે કે વ્યાજખોરોએ તેના ૪૦ કોરા ચેક લખાવી લીધા હતા અને ૧૦ થી ૩૦ ટકા સુધીનું માતબર વ્યાજ વસૂલ્યું હતું. હાલ પોલીસ આ ચીટિંગ કાંડ અને વ્યાજખોરીના બંને પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(7:52 PM IST)