<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અમરેલીના મીતીયાળા પંથકમાં ધરા ધ્રૂજી : વહેલી સવારથી પાંચ કલાકમાં ભૂકંપના 8 આંચકા નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ અને ભયની લાગણી

સવારે 4 થી 9 વાગ્યા સુધી ખાંભા અને સાવરકુંડલા પંથકમાં 1.0 થી 3.58 ની તીવ્રતાના આંચકાઓએ મચાવ્યો હોબાળો : કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર હોવાની સિસ્મોલોજી વિભાગની પુષ્ટિ

અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં કુદરતી આફતનો ઓછાયો વર્તાયો હોય તેમ, આજે બુધવારે વહેલી સવારથી જ ધરા ધ્રૂજવાનો સિલસિલો શરૂ થતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર પાંચ કલાકના ટૂંકા ગાળામાં જ ભૂકંપના એક પછી એક એમ કુલ 8 આંચકા અનુભવાયા હતા. ગાઢ નિદ્રામાં પોઢેલા લોકો વહેલી પરોઢે જમીન હચમચતા જ ભયના માર્યા ઘરોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા અને સવાર સુધી ભયના ઓથાર હેઠળ જીવવાની ફરજ પડી હતી.

*પાંચ કલાકમાં સતત આઠ આંચકા:*
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગના ડેટા મુજબ, આંચકાઓની શરૂઆત સવારે 4:15 કલાકે થઈ હતી. અલગ-અલગ તીવ્રતાના આંચકાઓએ મીતીયાળા સહિતના ગામોને સતત હચમચાવ્યા હતા:
 * *સવારે 4:15:* 1.8 ની તીવ્રતાનો પ્રારંભિક આંચકો.
 * *સવારે 4:16:* 2.3 ની તીવ્રતા.
 * *સવારે 4:24:* 1.0 ની તીવ્રતા.
 * *સવારે 4:57:* 1.4 ની તીવ્રતા.
 * *સવારે 7:00:* 2.2 ની તીવ્રતા.
 * *સવારે 7:15:* *3.58 ની તીવ્રતાનો સૌથી પ્રબળ આંચકો.*
 * *સવારે 7:51:* 1.5 ની તીવ્રતા.
 * *સવારે 8:57:* 1.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

*અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયનો માહોલ:*
ભૂકંપના આ આંચકાઓની અસર મીતીયાળા ઉપરાંત ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા જેવા સીમ વિસ્તારોમાં પણ જોવા મળી હતી. સવારે સવા સાત વાગ્યે અનુભવાયેલા 3.58 ની તીવ્રતાના આંચકાએ લોકોમાં વધુ ચિંતા જગાવી હતી. સતત આવતા આ ધ્રુજારીના અવાજો અને કંપનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

*તંત્રની પરિસ્થિતિ પર નજર:*
જોકે, રાહતના સમાચાર એ છે કે આ કુદરતી હિલચાલને કારણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિમી દૂર નોંધાયું છે. વહીવટી તંત્ર દ્વારા સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક સાધીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્કતા રાખવા અનુરોધ કર્યો છે.

(10:12 AM IST)