News of Wednesday, 8th April 2026
ભાવનગરમાં માવઠા સાથે છત પડી : સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપછાંવ
ગોહિલવાડમાં ઉનાળાના પ્રારંભે ૩ વખત કમોસમી વરસાદ પડતા ચિંતા : પાકને નુકશાન

ભાવનગરમાં રસ્તા ઉપર વરસાદી પાણી નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
રાજકોટ, તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠામય માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી સર્વત્ર ધુપછાંવ યથાવત છે.
કાલે સાંજના સમયે ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: ભાવનગરમાં ઉનાળાની સિઝનમાં ત્રીજી વખત માવઠું વરસ્યું હતું. ગઈકાલે પવન અને વીજ ગર્જના સાથે શહેરમાં પોણો ઈંચ કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ ભાવનગરમાં ગઈકાલે બપોરના બે વાગ્યા આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પ્રથમ સૂર્યનારાયણની હાજરી વચ્ચે છાંટા વરસ્યા બાદ ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન અને વીજળીના ગડગડાટ સાથે જોરદાર માવઠું વરસ્યું હતું. જેના કારણે માત્ર અર્ધો કલાકમાં જ ૧૬ મિ.મી. પાણી પડયું હતું. શહેરના છેવાડાના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધું રહેતા હવામાન વિભાગમાં ૨૦ મિ.મી. વરસાદ થયાનું નોંધાયું હતું. માવઠાંના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદ થંભ્યા બાદ તુરંત ઉઘાડ નીકળ્યો હતો. વરસાદી માવઠાંના માહોલ વચ્ચે પણ મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઉંચકાઈને ૩૫.૧ ડિગ્રીએ પહોંચી ગયું હતું. કુમુદવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષની છત પડતા લોકોમાં નાસભાગ મચી હતી. સદ્નસીબે કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ માવઠાંનો માર પડયો હતો. ઘોઘામાં પાંચ મિ.મી. કમોસમી વરસાદ થયાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છ.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
