News of Wednesday, 8th April 2026
મોરબીના સીરામીક ઉદ્યોગના અસ્તિત્વ સામે ખતરો: ગેસના ભાવ ₹85 ને પાર પહોંચતા ઉદ્યોગકારો પાયમાલ, અનેક એકમોને તાળા મારવાની નોબત
"હવે તો ગેસ કંપની જ ઉદ્યોગને ડૂબાડશે": ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે ઉદ્યોગપતિઓ ગુજરાત ગેસની ઓફિસે ઉમટ્યા, સરકારને કરી આજીજી

મોરબી, તા. 8: મોરબીનો સીરામીક ઉદ્યોગ, જે ભારત જ નહીં પણ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે, તે હાલમાં ઇતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. કુદરતી ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઉત્પાદન ખર્ચ એટલો વધી ગયો છે કે અનેક કારખાનાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ ગંભીર મુદ્દે મંગળવારે મોરબી સીરામીક એસોસિએશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ગુજરાત ગેસ કંપનીની ઓફિસે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભાવ વધારાનો મરડો: ₹45 થી સીધો ₹85
સીરામીક ઉદ્યોગમાં ગેસ એ સૌથી મહત્વનું ઈંધણ છે. અગાઉ જ્યારે સ્થિતિ સામાન્ય હતી ત્યારે ગેસનો ભાવ અંદાજે 45 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર હતો, જે અત્યારે વધીને 80 રૂપિયાને પાર કરી ગયો છે. ચિંતાની વાત એ છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા મે મહિના માટે 85 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે આટલા ઉંચા ભાવે ફેક્ટરી ચલાવવી એ આત્મઘાતી પગલું છે, કારણ કે તૈયાર માલના ભાવમાં આટલો વધારો કરવો બજારમાં અશક્ય છે.
સીઝ ફાયરથી આશાનું કિરણ
એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. આ સિઝ ફાયર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. આ સંજોગોમાં ગેસ કંપનીએ પણ માનવતાવાદી અભિગમ અપનાવી ભાવ ઘટાડીને 65 રૂપિયાની આસપાસ લાવવા જોઈએ, જેથી બંધ પડેલા એકમો ફરી ધમધમતા થઈ શકે.
રોજગારી પર સંકટના વાદળો
મોરબીનો સીરામીક ઉદ્યોગ લાખો પરિવારોની રોજીરોટીનું સાધન છે. જો ગેસના ભાવમાં તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે, તો નાના અને મધ્યમ કદના એકમો કાયમી ધોરણે બંધ થઈ જશે અને હજારો શ્રમિકો બેરોજગાર બનશે. ઉદ્યોગકારોએ સરકારને ચીમકી આપી છે કે જો ભાવ ઘટાડા અંગે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની અસરો વચ્ચે હવે આ આર્થિક 'માવઠું' મોરબીના અર્થતંત્રને હચમચાવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર અને ગેસ કંપની આ ગંભીર સ્થિતિમાં ઉદ્યોગકારોને કેટલી રાહત આપે છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
