<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

કેશોદના પૂર્વ ભાગમાં પોસ્ટ ઓફિસની તાતી જરૃરઃ પેટા બ્રાન્ચ શરૃ કરવા કેળવણીકાર બીજલભાઇ સોંદરવાની માંગ

અનેક વખતની રજૂઆતો છતાં પોસ્ટ ઓફિસની બ્રાન્ચ પુનઃ શરૃ નહીં થતા પોસ્ટ ધારકો પરેશાન શહેરની એકમાત્ર મુખ્ય પોસ્ટ ઓફિસમાં જરૃરી પૂરતા સ્ટાફના અભાવે લોકોનો ભારે ઘસારોઃ છેલ્લા બે વર્ષથી રજૂઆતો છતાં કોઈ પરિણામ નહીંઃ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ પોસ્ટ તંત્ર પોઝિટિવ વલણ અપનાવે તેવી લોકલાગણી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૦ઃ અત્રે મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ધારકોનો ભારે ઘસારો રહેતો હોય લોકોની સુવિધા અને લાગણીઓ તેમજ શહેરની વસ્તી અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઈ પૂર્વ તરફ ના ભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલ પોસ્ટ સેવા ની પેટા બ્રાન્ચ પુનઃ શરૃ કરવા સામાજિક કાર્યકર અને કેળવણીકાર બીજલભાઇ સોંદરવાએ માંગણી કરેલ છે.

આ અંગે શ્રી સોંદરવા એ જણાવેલ કે,  આશરે એક લાખ જેવી જન સંખ્યા ધરાવતા અને ભૌગોલિક રીતે ઝેટ ઝડપે વિકસી રહેલ સ્થાનિક કેશોદ શહેર ની મધ્યમાંથી ઉત્તર - દક્ષિણ તરફ રેલવે ટ્રેક પસાર થતા સ્થાનિક શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેચાંઇ ગયેલ છે. પૂર્વ તરફના વિસ્તારમાં આશરે ૪૦ ટકા જેટલા લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોસ્ટ ઓફિસની સુવિધા ઝુંટવાઇ જતા આ સ્થિતિ વચ્ચે અત્રે પશ્ચિમ ભાગે ચારચોક નજીક આવેલ એક માત્ર હેડ પોસ્ટ ઓફિસને લગતી જુદી જુદી કામગીરી માટે લોકોએ ફરજિયાત ત્યાં દોડી જવું પડે. પરિણામે મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે લોકોનો ભારે ઘસારો રહે છે.

 અત્રે નોંધનીય છે કે, અગાઉ પૂર્વ તરફના વિસ્તારમાં એરોડ્રામ રોડ પર ઘણા વર્ષો સુધી પોસ્ટ ઓફિસની પેટા બ્રાન્ચ કાર્યરત હતી જેનો આ વિસ્તારના લોકો સરળરીતે લાભ લેતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોઈપણ કારણોસર આ પોસ્ટ ઓફિસ બંધ થઈ જતા પોસ્ટ ઓફિસ ને લગતી કામગીરી માટે લોકોએ છેક ચારચોક વિસ્તાર માં આવેલ મુખ્ય પોસ્ટ સેવા કાર્યાલય સુધી ફરજિયાત લાંબુ થવું પડે છે. અધૂરામાંપૂરું હેડ પોસ્ટ ઓફિસમાં જરૃરી એવા પૂરતા સ્ટાફનો પણ અભાવ હોય જેના કારણે ખાસ્સો સમય વેડફાઈ જતો હોય પોસ્ટ ઘારકો ભારે પરેશાની અનુભવી રહેલ છે.

 શહેરની કુલ વસ્તીના ૪૦ ટકા કે તેથી પણ વધુ જેવી વસ્તી ધરાવતા પૂર્વ તરફના વિસ્તારમાં રહેણાંક ઉપરાંત શાળાઓ, હોસ્ટેલો, કોલેજ, હોસ્પિટલ, ન્યાયાલય સહિત ની કચેરીઓ ઉપરાંત વ્યાપારિક અને ઔદ્યોગિક એકમો પણ ઉપલબ્ધ હોય આ વિસ્તારમા પોસ્ટ ઓફિસની આવશ્યકતા અનિવાર્ય છે. જો આ વિસ્તારમાં પોસ્ટ ઓફિસની બ્રાન્ચ પુનઃ શરૃ કરવામાં આવે તો મુખ્ય પોસ્ટ ઓફિસ માં થતો લોકોનો ઘસારો ઓછો થઈ શકે સાથે લોકોનો સમય પણ વેડફાતો બચે . ભૂતકાળમાં લોકો માટે આ વિસ્તારમાં કાર્યરત પોસ્ટ સેવાની પેટા બ્રાન્ચ ભારે સુવિધા જનક હતી.

કેળવણીકાર બીજલભાઇ સોંદરવા એ અંતમાં જણાવેલ કે,આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા કોઈપણ કારણોસર પોસ્ટ ઓફિસ બંધ થયા બાદ પોસ્ટ ઓફિસની બ્રાન્ચ પુનઃ શરૃ કરવાની તંત્રએ તસ્દી નહીં લેતા આ વિસ્તાર ના લોકો ની લાગણી, માંગણી તેમજ આવશ્યકતા ને ધ્યાને લઈ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં જરૃરી સ્ટાફ વધારવા તથા પૂર્વ તરફ ના ભાગે પોસ્ટ ઓફિસની બ્રાન્ચ શરૃ કરવા લગભગ છેલ્લા બે વર્ષથી લાગતા વળગતા સંબંધિત તંત્ર વાહકો સમક્ષ લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે, પરંતુ આમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ અંગે કોઈ કોઈ લક્ષ આપવામા નહીં આવતા જાહેર હિતમાં આ માંગણી ને ફરી વખત દોહરાવવા ની ફરજ પડેલ છે.

  દરમિયાન કેશોદના પૂર્વ તરફના વિસ્તારમાં પોસ્ટ ઓફિસની તાતી આવશ્યકતા જણાઇ રહેલ છે ત્યારે આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી પોસ્ટ તંત્ર પોઝિટિવ વલણ અપનાવે તેવી લોક લાગણી ઉદ્દભવેલ છે.

(10:49 AM IST)