<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

સુરેન્‍દ્રનગર મનપા ચૂંટણીમાં ભાજપની ઉમેદવારી પર અસંતોષનો વિસ્‍ફોટઃ જૂના કાર્યકરો અવગણાયા, ‘પેરાશૂટ' ઉમેદવારોને પ્રાથમિકતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૧: સુરેન્‍દ્રનગરમાં મનપાની પ્રથમ ચૂંટણી પહેલાં ભાજપે ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ પાર્ટી અંદર જોરદાર અસંતોષ ફાટી નીકળ્‍યો છે. યાદીમાં લગભગ ૫૦ ટકા નવા ચહેરાઓને સ્‍થાન આપતાં વર્ષો સુધી સંગઠન માટે મહેનત કરનારા કાર્યકરો અને જૂના જોગીઓને સાઈડલાઈન કરવામાં આવ્‍યા હોવાનો રોષ ઉઠ્‍યો છે.

ટિકિટ માટે એડી ચોટીનું જોર લગાવનાર સ્‍થાનિક દાવેદારોને અવગણીને ‘પેરાશૂટ' ઉમેદવારોને તક આપવામાં આવી હોવાના આરોપો થઈ રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી તાજેતરમાં જોડાયેલા કેટલાક નેતાઓને સીધી ટિકિટ મળતા કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

પાર્ટીના આંતરિક વર્તુળોમાં ચર્ચા છે કે પરિષદ, સંઘ અને ભગીની સંસ્‍થાઓની ભલામણોને મોખરે રાખવાના બદલે મોવડી મંડળે તેને અવગણી દીધી છે. જ્ઞાતિ સમીકરણ અને સ્‍થાનિક મતબેંકને પણ પૂરતું મહત્‍વ ન આપતા નિર્ણય લેવામાં આવ્‍યા હોવાના આક્ષેપો છે. પરિણામે ઘણા વોર્ડમાં પસંદગીના નામોને જ ટિકિટ આપવાનો ગણગણાટ તેજ બન્‍યો છે.

સંગઠન માટે વર્ષોથી રાત દિવસ મહેનત કરનારા કાર્યકરોને એક ઝાટકે કાપી નાખતાં પાર્ટીમાં ઉકળાટનું વાતાવરણ સર્જાયું છે. ઘણા સ્‍થળોએ આંતરિક બળવો અને બાગી ઉમેદવારો ઊભા થવાની શકયતાઓ પણ નકારી શકાય તેમ નથી.

આ તરફ આપ પાર્ટીએ પોતાના ઉમેદવારોની મોટાભાગની યાદી જાહેર કરી દીધી છે, જ્‍યારે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં ઉમેદવારો જાહેર કરવાની તૈયારીમાં છે. આવી પરિસ્‍થિતિમાં ભાજપની અંદરની અસંતોષની આગ ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડે તેવી શકયતાઓ વધી રહી છે. હવે નજર રહેશે કે આ આંતરિક અસંતોષ ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય છે કે પછી પાર્ટી તેને સમયસર કાબૂમાં લઈ શકે છે.

(10:39 AM IST)