News of Saturday, 11th April 2026
સાવરકુંડલાના રાજકારણમાં મોટો ઉલટફેર:કોંગ્રેસના બે મજબૂત યુવા નેતાઓ ભાજપમાં જોડાયા :રાજકીય સમીકરણો બદલાઈ ગયા
વિપુલ ઉનાવા અને સાહિલ શેખે કેસરીયો ધારણ કર્યો: ભાજપમાં જોડાતાની સાથે જ બંનેને ટિકિટ મળી

અમરેલી :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે સાવરકુંડલાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના બે મજબૂત યુવા નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે.
સાવરકુંડલા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ બંને નેતાઓના પક્ષપલટાથી કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે.
ભાજપે આ બંને પક્ષપલટુ નેતાઓ પર મોટો ભરોસો મૂકીને તેમને તુરંત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વિપુલ ઉનાવાએ વોર્ડ નંબર 3 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું.જ્યારે સાહિલ શેખએ વોર્ડ નંબર 9 માંથી ભાજપની ટિકિટ પર ઉમેદવારી નોંધાવી.
પક્ષપલટો કરીને આવેલા નેતાઓને સીધી ટિકિટ ફાળવી દેવામાં આવતા ભાજપના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વર્ષોથી પક્ષ માટે મહેનત કરનારાઓની અવગણના કરીને 'આયાતી' ઉમેદવારોને મહત્વ આપવામાં આવ્યું છે. સાવરકુંડલા ભાજપમાં આંતરિક અસંતોષ ફાટી નીકળતા આગામી દિવસોમાં પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
