<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

મેઘપર પડાણા પોલીસ મથકે ભવ્ય લોન મેળાનું આયોજન : વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પોલીસ અને બેંકોના સંયુક્ત પ્રયાસથી જરૂરિયાતમંદોને સ્થળ પર જ ૧૫ લાખની લોન અપાઈ

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી સામાન્ય જનતાને સરકારી લોન યોજનાઓથી માહિતગાર કરી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીનો સંદેશ અપાયો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ લોન મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પોલીસનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને ઉંચા વ્યાજદર વસૂલતા વ્યાજખોરો અને પઠાણી ઉઘરાણી કરતા તત્વોના ત્રાસમાંથી મુક્ત કરાવી બેંકિંગ સુવિધાઓ સાથે જોડવાનો રહ્યો છે.

**૧૫ લાખની લોનનું સ્થળ પર વિતરણ:**
લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ દ્વારા બપોરે ૧૫:૦૦ થી ૧૮:૦૦ વાગ્યા દરમિયાન આ મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ મેળામાં એસબીઆઈ (SBI), આઈસીઆઈસીઆઈ (ICICI), એચડીએફસી (HDFC) અને એક્સિસ (AXIS) જેવી પ્રતિષ્ઠિત બેંકોના સ્ટાફે હાજર રહીને અંદાજે ૬૦ થી ૭૦ લોકોને વિવિધ સરકારી લોન યોજનાઓની માહિતી આપી હતી. લોન માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેલા ખાતાધારકોમાંથી જરૂરિયાતમંદ ગ્રાહકોને વિવિધ બેંકો દ્વારા કુલ અંદાજે રૂ. ૧૫,૦૦,૦૦૦/- (પંદર લાખ) જેટલી રકમની લોન તુરંત મંજૂર કરી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

**વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ:**
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ મજબૂરીમાં આવીને ઉંચા વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ પઠાણી ઉઘરાણી કે વ્યાજ વસૂલાત માટે હેરાન કરતી હોય, તો તેની વિરુદ્ધ તુરંત ફરિયાદ કરવી. આ માટે મેઘપર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ અખ્તરભાઇ એચ. નોયડા અને પોલીસ કોન્સ્ટેબલ ગૌતમભાઇ ચાવડાને લેખિત ફરિયાદ નોંધવાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. આ કાર્યક્રમની જાણ અર્થે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તેમજ જામનગર મુખ્ય મથકના નાયબ પોલીસ અધીક્ષકને પણ વિગતો મોકલવામાં આવી છે.

(4:38 PM IST)