<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લોકોના દિલ જીત્યા : અકસ્માત જોઈ કોન્વોય રોકાવીને ઈજાગ્રસ્તની વહારે આવ્યા

ધોમધખતા તાપમાં રસ્તા પર ઉતરીને તેમણે માત્ર મદદ જ નથી કરી, પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું :સમયસૂચકતા અને સેવાનો વીડિયો વાયરલ

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ બેઠકના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીફરી એકવાર પોતાની સેવાદ્રષ્ટિને કારણે ચર્ચામાં છે. મહુવા બાયપાસ પાસે બનેલી એક અકસ્માતની ઘટનામાં ધારાસભ્યએ રાજકીય પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ ઈજાગ્રસ્ત યુવકની મદદ કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી વિગતો અનુસાર, હીરાભાઈ સોલંકી પોતાના કોન્વોય સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે મહુવા બાયપાસ નજીક એક બાઈક ચાલકનો અકસ્માત થયો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. અકસ્માત ગંભીર હોવાનું જણાતા તેમણે તુરંત પોતાની ગાડી ઉભી રખાવી હતી. ધોમધખતા તાપમાં અને વ્યસ્ત ટ્રાફિક વચ્ચે ધારાસભ્ય પોતે ઈજાગ્રસ્ત યુવક પાસે પહોંચ્યા હતા અને તેની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

ધારાસભ્યએ ઉભા રહીને તુરંત 108 એમ્બ્યુલન્સબોલાવી હતી. એમ્બ્યુલન્સ આવતા જ તેમણે પોતે યુવકને ગાડીમાં બેસાડવામાં મદદ કરી હતી અને હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી. રાજકારણના આ ગરમાગરમ માહોલમાં એક ધારાસભ્યની આવી સમયસૂચકતા અને નમ્રતા જોઈને સ્થાનિક લોકો અને નેટીઝન્સ તેમના પર ફિદા થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે 'નેતા હોય તો આવા', જે સત્તાના નશામાં ચૂર થવાને બદલે જનતાની સેવાને જ સર્વોપરી માને છે.

 

(8:24 PM IST)