News of Sunday, 12th April 2026
રાપરના પ્રાગપર ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર દંપતીના કરૂણમોત
ટક્કર લાગતાની સાથે જ ગંભીર ઈજાઓ થવાને કારણે આ દંપતીનું ઘટનાસ્થળે જ મોત :અકસ્માત બાદ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો

કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપર તાલુકામાં માર્ગ અકસ્માતોની વધુ એક દર્દનાક કિસ્સો ઉમેરાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાપરના પ્રાગપર ગામ પાસે એક પુરપાટ ઝડપે આવી રહેલી અલ્ટો કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવાર દંપતી રોડ પર ફંગોળાઈ ગયું હતું. આ દંપતીની ઓળખ પરસોત્તમભાઈ મસૂરીયા અને નવલબેન મસૂરીયા તરીકે થઈ છે. ટક્કર લાગતાની સાથે જ ગંભીર ઈજાઓ થવાને કારણે આ દંપતીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ દંપતીએ પહેલેથી જ પ્રાણ ત્યાગી દીધા હતા. બનાવની જાણ રાપર પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કાર ચાલકની બેદરકારી અને વધુ પડતી ઝડપ આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ દુર્ઘટનાને પગલે મસૂરીયા પરિવાર પર આભ ફાટ્યું છે. એકસાથે પતિ અને પત્ની બંનેના મોતના સમાચાર મળતા પરિવારજનો અને સંબંધીઓમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. પ્રાગપર અને રાપર પંથકમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી છે. રાપર પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછ દ્વારા અકસ્માતની કડીઓ જોડી રહી છે જેથી જવાબદાર સામે કડક કાર્યવાહી થઈ શકે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
