News of Monday, 13th April 2026
જૂનાગઢ જિલ્લાના અગતરાય અને સમઢીયાળામાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ગર્જના : કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાતને તરસતું રાખ્યું પણ નરેન્દ્રભાઈ મોદીએ ૧૭ જ દિવસમાં નર્મદાના દરવાજા મંજૂર કરી સરદાર પટેલનું સ્વપ્ન સાકાર કર્યું
ઇટાલીના મૂળ અને મોસાળ ધરાવતા રાહુલ ગાંધીને ગામડાની ગરીબી કે માતાઓની વ્યથા ક્યારેય ન સમજાય, ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતી કોંગ્રેસને જનતા ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે - જગદીશભાઈ વિશ્વકર્મા

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના અગતરાય અને સમઢીયાળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારાર્થે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશ અને ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. જેમના મૂળ અને મોસાળ ઇટાલીમાં છે તેવા રાહુલ ગાંધીને ગામડાની ગરીબી કે ચૂલાના ધુમાડાથી પીડાતી માતાઓની વ્યથાની ક્યારેય સમજ ન પડી શકે.
ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણયો:
સભાને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કપરા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોની પડખે ઊભા રહીને ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે. આ સાથે જ ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. કિસાન સન્માન નિધિ અને ખાતર પરની સબસીડીના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીના પ્રયાસોથી ૧૦ લાખથી વધુ ખેડૂતો આ માર્ગે વળ્યા છે, જેમના ઉત્પાદનોને અમૂલ દ્વારા વૈશ્વિક બજાર પૂરું પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૧૬ હજાર ગામડાઓમાં દિવસે વીજળી આપવાનું કાર્ય પૂર્ણતાના આરે છે.
પાણી અને માળખાગત વિકાસ:
પાણીની સમસ્યા અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસે નર્મદા યોજનાને વર્ષો સુધી લટકાવી રાખી હતી, પરંતુ વડાપ્રધાન બન્યાના માત્ર ૧૭ જ દિવસમાં નરેન્દ્રભાઈ મોદીએ ડેમના દરવાજા મંજૂર કરી ગુજરાતને પાણીદાર બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે સૌની યોજના અને ઘર-ઘર નળથી જળ પહોંચ્યું છે. સોલર રૂફટોપમાં ગુજરાત ૧૦ લાખથી વધુ ઘરો સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જેનાથી સામાન્ય નાગરિકોના વીજ બિલમાં મોટી બચત થઈ રહી છે. આયુષ્માન ભારત હેઠળ ૧૦ લાખ સુધીની મફત સારવાર અને ઉજ્જવલા યોજના જેવી સુવિધાઓએ છેવાડાના માનવીનું જીવન સુખમય બનાવ્યું છે.
ગુજરાતીઓના અપમાનનો વળતો જવાબ:
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને અપમાનિત કરવા બદલ જગદીશભાઈએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું પાપ કર્યું છે, જેનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં મતદાન દ્વારા આપશે. ચૂંટણી સમયે બહુરૂપિયા બનીને આવતા વિપક્ષી નેતાઓ ગુજરાતીઓને છેતરી શકશે નહીં.
વિજયનો સંકલ્પ અને શ્રદ્ધાંજલિ:
સમઢીયાળા ખાતેની સભામાં તેમણે સ્વ. રાજાણીના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૨૬ તારીખે યોજાનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ ભાજપા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા તેમણે આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, પ્રભારી અરવિંદભાઈ રૈયાણી, કિરીટભાઈ પટેલ, દેવાભાઈ માલમ સહિતના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
