News of Tuesday, 14th April 2026
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીઃ મોરબી જીલ્લામાં ૧૭૨ ફોર્મ રદ થયા
પાર્ટી મેન્ડેડ અને ટેકેદારોની સહી ના હોવાથી ત્રણ ફોર્મ રદ થયા ડમી ઉમેદવારો અને પક્ષના મેન્ડેડના અભાવે બાકીના ફોર્મ રદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૪: મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નગારા વાગી ચુકયા છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ આજે ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને ત્રણ નગરપાલિકા માટે ભરાયેલા ફોર્મ પૈકી ૧૭૨ ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
મોરબીની વિવિધ કચેરીઓ ખાતે આજે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લા પંચાયતમાં ૩૬, મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં ૧૧૧ તેમજ મોરબી મહાનગરપાલિકામાં ૨૩ અને માળિયા નગરપાલિકામાં ૦૨ સહીત કુલ ૧૭૨ ફોર્મ રદ થયા છે.
મોરબી જીલ્લા પંચાયતની ઘૂટું બેઠક પરથી બસપા ઉમેદવારનું ફોર્મ રદ થયું છે બસપા ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણે ફોર્મ ભર્યું હતું બેઠક ઓબીસી અનામત હતી અને પક્ષે અલગ મેન્ડેડ આપ્યું હતું તેમજ શૈક્ષણિક લાયકાત પણ સિદ્ધ કરી શકયા ના હતા જેથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં વોર્ડ નં ૦૪ માં અપક્ષ ઉમેદવાર રવિ શામજીભાઈ વરાણીયા અને વોર્ડ ૦૫ માં અપક્ષ ઉમેદવાર સંતોષ રવજીભાઈ વણોલના ફોર્મમાં ટેકેદારની સહી ના હોવાથી બંને ઉમેદવારી પત્રો રદ થયા હતા મોરબી જીલ્લામાં કુલ ૧૭૨ પૈકી ત્રણ ક્ષતિગ્રસ્ત ફોર્મ રદ થયા છે તે સિવાયના બાકી ડમી ઉમેદવારો, પાર્ટીનું મેન્ડેડ ના મળ્યું હોય સહિતના ફોર્મ રદ થયા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
