<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

જામનગરના ગુરુદ્વારામાં ૩૨૭માં 'વૈશાખી પર્વ'ની શાનદાર ઉજવણી : શીખ અને સિંધી સમાજના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

શબ્દ કીર્તન અને ગુરુગ્રંથ સાહેબની વિશેષ પ્રાર્થના બાદ 'ગુરુકા લંગર' યોજાયું : પંજાબી સંસ્કૃતિ મુજબ ખેડૂતોએ નવા વર્ષના પાક માટે આશીર્વાદ માંગ્યા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગરમાં આજે શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન ‘વૈશાખી પર્વ’ની ૩૨૭મી વર્ષગાંઠની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા ખાતે યોજાયેલા આ મહોત્સવમાં શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં સંગત સાથે જોડાયા હતા.

ધાર્મિક કાર્યક્રમો અને શબ્દ કીર્તન:
જામનગરના ગુરુદ્વારામાં પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વૈશાખી પર્વ નિમિત્તે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. આજે ૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે સેહજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવવિભોર કરી દેતા શબ્દ કીર્તન દ્વારા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ ગુરુગ્રંથ સાહેબ સમક્ષ શીશ નમાવીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.

ગુરુકા લંગર અને કૃષિ પર્વનું મહત્વ:
ધાર્મિક કાર્યક્રમોના અંતે ગુરુદ્વારા ખાતે 'ગુરુકા લંગર' (મહાપ્રસાદી)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૪ એપ્રિલના વૈશાખીના દિવસથી પંજાબમાં ખેડૂતો પોતાના ખેતરોમાં ઘઉં લણવાની શરૂઆત કરતા હોય છે. આ પ્રસંગે ખેડૂતો માટે આગામી વર્ષ ખુબ જ સારું જાય અને દેશનો અન્નદાતા સુખી થાય તેવી ભગવાન પાસે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(11:38 AM IST)