<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

સાવરકુંડલા પાલિકામાં રૂ.૧૩ કરોડની ગેરરીતિ મુદે ભાજપ પૂર્વ મહામંત્રીની મુખ્‍યમંત્રીને ફરિયાદ બાદ પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા તપાસના આદેશ

૧૪-૧૫માં નાણાપંચ, સ્‍વચ્‍છ ભારત મિશન, સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્‍ટમાં ભ્રષ્ટાચાર, વહીવટી-તાંત્રિક મંજૂરી વિના કરોડો ચૂકવાયા, પૂર્વ પ્રમુખો, ચીફ ઓફિસરો, હિસાબનીશ સહિતની મિલીભગતનો આક્ષેપ, પ્રજાના ટેક્‍સના નાણાની ઉચાપતની રામદેવસિંહ ગોહિલે રજૂઆત કરી'તી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૬: પાલિકા દ્વારા રાજ્‍ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની ગ્રાન્‍ટનો હેતુફેર કરીને કુલ રૂ.૧૩ કરોડની મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્‍યો છે.

આ મામલે સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિત ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદને પગલે પ્રાદેશિક કમિશનર કચેરી, ભાવનગર દ્વારા કડક તપાસના આદેશો જારી કરવામાં આવ્‍યા છે.

ફરિયાદ મુજબ નંદીશ કોર્પોરેશન, સહજાનંદ મોટર રીવાઇડીંગ, ગટર લાઈન તથા મોટર પંપ રીપેરીંગ સંબંધિત કામો, સાગર મશીનરી સ્‍ટોર્સ માંથી ખરીદ કરેલ માલ સામાન સહિતના વિવિધ ખર્ચાઓ કોઈપણ યોગ્‍ય મંજૂરી વિના ચૂકવી દેવામાં આવ્‍યા છે. તદ્‌ઉપરાંત આ હેતુફેર કરેલ નાણામાંથી કાયમી રોજમદાર કર્મચારીઓને પગાર પણ ચૂકવી દેવામાં આવ્‍યો હોવાનો ગંભીર આરોપ છે.

આ ગંભીર આર્થિક ગેરરીતિ અંગે વડી કચેરી, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર અને ગાંધીનગરને જાણ થતાં નાયબ કમિશનરશ્રી દ્વારા તાત્‍કાલિક કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્‍યા છે. હાલ પ્રાદેશિક કમિશનર કચેરી, ભાવનગર દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.

શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારમાં સામેલ તમામ ચીફ ઓફિસરો, પૂર્વ પ્રમુખો, હિસાબનીશ અને અન્‍ય સંબંધિત કર્મચારીઓ વિરુદ્ધ તટસ્‍થ તપાસ કરીને કસૂરવારો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ગેરરીતિ આચરીને ચૂકવેલ સમગ્ર રકમની રિકવરી કરવા સહિતના પગલાં ભરવા પણ માંગ કરવામાં આવી છે.

(1:44 PM IST)