News of Saturday, 6th June 2026
‘ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા!'- સાવરકુંડલાના હાથસણી રોડની બિસ્માર હાલતથી ૨૦ સોસાયટી અને ૪ ગામના રહેવાસીઓ છેલ્લા ૫ વર્ષથી પરેશાન
‘રોડ ન બનાવો તો કાંઇ નહી પણ ખાડા તો બુરાવો!' નગરપાલિકા કોર્પોરેટરોનો આક્રોશ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓનો ઘસાયેલો જવાબ-‘રોડ લેવાય ગયો છે', બે મહિના પહેલા બનેલા CC રોડમાં તિરાડો પડતા ડામર ભરવો પડ્યોઃ ધર્મેન્દ્ર મહેતા અશોક ખુમાણનો આક્રોશ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૬: શહેરનો સૌથી વધુ ટ્રાફિક ધરાવતો અને ૨૦ સોસાયટી તેમજ ૪ ગામોને જોડતો મુખ્ય હાથસણી રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. ‘ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા!' એવી સ્થિતિ સર્જાતા હજારો વાહનચાલકો અને રાહદારીઓ રોજ મણકા ખસી જાય તેવી યાતનામાંથી પસાર થઈ રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને અશોકભાઈ ખુમાણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત હસ્તકનો આ રોડ લેવાય ગયો છે તેવો એકજ જવાબ છેલ્લા પાંચ વર્ષથી પદાધિકારીઓ આપી રહ્યા છે. પરંતુ કયારે કામ શરૂ થશે તેનો કોઈ જવાબ મળતો નથી. સીટી વિસ્તારના મતદારો જિલ્લા પંચાયતના સદસ્યોને મત આપતા ન હોવાથી સત્તાધીશો અને અધિકારીઓ આ પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા છે.
આ રોડ પર વિધુતનગર, ગાયત્રી સોસાયટી, આનંદપાર્ક, શિવમપાર્ક, હુડકો સોસાયટી, આસોપાલવ, રાધેશ્યામ સોસાયટી, સરદાર નગર, ખોડીયાર પાર્ક, નાગનાથ સોસાયટી, શિવશકિત સોસાયટી, ગજાનંદ સોસાયટી, ચંદ્રમૌલી સોસાયટી, લુહાર સોસાયટી, શ્રીજીનગર સહિત કુલ ૨૦ સોસાયટીઓ આવેલી છે. આ ઉપરાંત હાથસણી, કાનાતળાવ, ખોડી-રૂગનાથપુર, ધારગણી સહિત ચાર ગામોના હજારો રહેવાસીઓ અને રાહદારીઓ રોજ આ ખાડાઓને કારણે ત્રાસ ભોગવી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે શહેરી વિસ્તારમાંથી પસાર થતો આ મુખ્ય રોડ હોવા છતાં તંત્રની ઉદાસીનતા સમજ બહાર છે. ચોમાસા પહેલા જો ખાડા નહીં બુરાય તો અકસ્માતોનો સિલસિલો વધવાની દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
