<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

સોમવારે સવારે રંગમતી ડેમના દરવાજા ખોલાશે: નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું

તંત્ર દ્વારા જામનગર શહેર સહિત નદીના નીચાણવાસમાં આવેલા તમામ સંબંધિત ગ્રામજનોને અત્યારથી જ સાવધ થઈ જવા અને પૂરતી તકેદારી રાખવા કડક તાકીદ

જામનગર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 8 જૂનના રોજ જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલી રંગમતી સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. સરકાર કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ, ડેમની નીચે આવેલા ચેકડેમોને પાણીથી ભરવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.

 

જામનગર સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેરની સત્તાવાર યાદી મુજબ, 8 જૂને સવારે 08:00 કલાક પછી રંગમતી ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી વહાવવામાં આવશે. આ પાણી છોડાવાના કારણે નદીના જળસ્તરમાં અચાનક વધારો થઈ શકે છે. આથી, તંત્ર દ્વારા જામનગર શહેર સહિત નદીના નીચાણવાસમાં આવેલા તમામ સંબંધિત ગ્રામજનોને અત્યારથી જ સાવધ થઈ જવા અને પૂરતી તકેદારી રાખવા કડક તાકીદ કરવામાં આવી છે.

 

ડેમમાંથી પાણી છોડાવાનું હોવાથી રંગમતી ડેમની નીચાણવાસમાં આવતા ચંગા, ચેલા, દરેડ, જુના નાગના, નવા નાગના ગામ તેમજ જામનગર શહેરના તમામ નાગરિકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, માલઢોર રાખતા પશુપાલકો અને નદીના પટમાં શાકભાજી કે અન્ય વાવેતર કરતા ખેડૂતોને પણ પોતાના પશુઓ અને સામગ્રી સાથે તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

 

સુરક્ષાના ભાગરૂપે માત્ર નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ રંગમતી સિંચાઇ યોજનાના ઉપરવાસમાં આવેલા ટી.બી.સી. (TBC) વિસ્તારના ખેડૂતો માટે પણ મહત્વની ગાઇડલાઇન જાહેર કરાઇ છે. જે ખેડૂતોનું હાલમાં પાક માટે પિયત ચાલુ હોય, તેઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે હેતુથી તાત્કાલિક અસરથી પોતાની સિંચાઈ બંધ કરી દેવા આદેશ અપાયો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

(1:18 PM IST)